મોંઘવારીના કારણે ગ્રાહકોની નિરસતા:અખાત્રીજના દિવસે શહેરની સોની બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં અખાત્રીજના દિવસે સોની બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી - Divya Bhaskar
પોરબંદરમાં અખાત્રીજના દિવસે સોની બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી
  • બે વર્ષથી કોરોનાને પગલે પોરબંદર જિલ્લામાં અખાત્રીજના સોની બજાર બંધ રહી હતી
  • સોનાના ભાવમાં વધારો તથા મોંઘવારીના કારણે સોનાની ખરીદીમાં ગ્રાહકોની નિરસતા

પોરબંદરમાં અખાત્રીજના દિવસે સોની બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી હતી. સોનાના ભાવમાં વધારો અને મોંઘવારીના કારણે સોનાની ખરીદીમાં ગ્રાહકોની નિરસતા દેખાતી હતી. બે વર્ષથી કોરોનાને પગલે અખાત્રીજના સોની બજાર બંધ રહી હતી ત્યારે આ વખતે સોની વેપારીઓને સારી ઘરાકીની આશા હતી.

અક્ષય તૃતીયા એટલેકે અખાત્રીજનું મહત્વ અનેરું છે. અખાત્રીજના દિવસે શુભ પ્રસંગો યોજવામાં આવે છે અને દાન પુણ્ય કરવામાં આવે છે. આ દિવસે કરેલ શુભ કર્મનો ક્યારેય ક્ષય થતો નથી. જેથી અખાત્રીજના દિવસે લોકો સોનાની ખરીદી કરતા હોય છે.

પોરબંદરમાં સોની બજાર ખાતે કોરોના પહેલાના સમયમાં અખાત્રીજના દિવસે ગ્રાહકોની ભીડ જામતી હતી અને લોકો પોતાની ક્ષમતા પ્રમાણે સોનાની ખરીદી કરતા હતા. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે બન્ને વર્ષે અખાત્રીજના દિવસે લોકડાઉન હોવાના કારણે બજારો બંધ રહેતા લોકો આ દિવસે સોનાની ખરીદી કરી શક્યા ન હતા.

કોરોના સંક્રમણ ઓછું થતા બજારો ખુલી હતી અને આ વખતે અખાત્રીજને દિવસે લોકો સોનાની ખરીદી કરશે તેવી સોની વેપારીઓને આશા જાગી હતી પરંતુ અખાત્રીજના દિવસે સોની બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળતા વેપારીઓની આશા પર પાણી ફરી વળ્યું છે. એક તરફ કોરોનાની મહામારીના કારણે મંદીનું મોજું, સોનામાં ભાવ વધારો તેમજ મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે ગ્રાહકોએ સોનાની ખરીદી કરવામાં નિરસતા દાખવી હોવાનું જાણવા મળે છે.

માછીમારનો ઉદ્યોગ મંદ પડતા વેપારમાં મોટી અસર
વેપારીએ જણાવ્યું હતુંકે, પોરબંદરમાં સોની બજાર ખાતે અખાત્રીજના દિવસે ગ્રામ્ય પંથકના ખેડૂતો તેમજ માછીમારો સોનાની ખરીદી કરતા હતા. હાલ મોંઘવારીના કારણે ખેડૂતો પણ સોનાની ખરીદીમા નિરસતા બતાવી છે જ્યારે ડીઝલના ભાવ વધારો તેમજ માછીમારી ઉદ્યોગમાં મંદીના કારણે માછીમારોની સ્થિતિ કફોડી બનતા તેઓ હાલ સોનાની ખરીદી ટાળી રહ્યા છે.

શું કહે છે સોની એસો.ના પ્રમુખ?
હાલ સોનાનો ભાવ 51050 છે. લગ્ન ગાળો પણ ચાલે છે, 250 જેટલી સોનાની દુકાનો આવેલ છે. અગાવ અખાત્રીજના દિવસે સોનાની ખરીદીમાં ગ્રાહકોની દરેક દુકાને ભીડ હતી જેને બદલે હાલ સોની બજારમાં ગ્રાહકો નજરે ચડતા નથી. કોઈક દુકાને ગ્રાહકો જોવા મળે છે. અખાત્રીજના દિવસે અગાવ કરતા આજે સોનાની ખરીદીમાં કુલ 50 ટકા ઘરાકી ઓછી થઈ છે. - જયંત નાંઢા, પ્રમુખ, સોની મહાજન એસોસીએશન, પોરબંદર

શુ કહે છે ગ્રાહક?
કોરોના સમય બાદ દરેકના જીવનમાં નાની મોટી મંદીની માઠી અસર પડી છે. મોંઘવારી પણ વધી છે. અખાત્રીજના દિવસે અગાવ સોનાનો ચેઇન, વીંટી અથવા મંગલસૂત્ર ની ખરીદી કરતા હતા હાલ શુકન પૂરતો સોનાનો દાણો લીધો છે. - મહિલા ગ્રાહક

શું કહે છે વેપારીઓ?
અગાવ લગ્ન સરાની સિઝન, અખાત્રીજ, દિવાળી સમયે સોની બજારમાં ગ્રાહકો મોટા દાગીનાની ખરીદી કરતા હતા. આ વખતે અખાત્રીજના દિવસે ગ્રાહકો મોટા દાગીના ને બદલે નાના દાગીનાની ખરીદી કરી રહ્યા છે. સોનાનો ભાવ વધુ છે અને લોકો પાસે રોકડ રકમ હાથમાં ન હોય જેથી ઘરાકી નથી.-સોની વેપારી

અન્ય સમાચારો પણ છે...