રાણાવાવ તાલુકા પંચાયતના હાલના સભ્ય અને પૂર્વ પ્રમુખ પર બુટલેગર સહિત બે શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવાની ઘટના બની છે. જેમાં દિગ્વિજયગઢ ગામના રસ્તા પર પોતાની કારમા જઈ રહેલા રાણાવાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નાનજી કરથીયા પર દિગ્વિજયગઢ ગામે જ રહેતા બુટલેગર મેસુર ઘેલીયા તેમજ સરમણ ઘેલીયાએ કાર રોકાવી કારમાં તોડફોડ કર્યા બાદ ધોકા સહિતના હથિયારો વડે નાનજી કરથીયા પર જીવલેણ હુમલો કર્યો હતો.
પોલીસને કેમ જાણ કરી એમ કહી હુમલો કર્યો
અમે દારુનો ધંધો કરીએ છીએ તેવી પોલીસને કેમ જાણ કરી તેમ કહી બંન્ને આરોપીઓએ નાનજી કરથીયાની કાર પર ધોકા સહિતના હથિયારો વડે કારમા તોડફોડ કરી નુકસાની કર્યા બાદ પુર્વ પ્રમુખને ગાડીમાંથી બહાર કાઢી અને ધોકા સહિતના હથિયારો વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ આરોપીઓના હાથમાંથી નાશી જઇ વનાણા ટોલ નાકા દોડી આવ્યા હતા, જ્યાં આવીને બેસતા આરોપીઓ ત્યાં પણ મોટરસાયકલ ઉપર આવીને નાનજી કરથીયાના પગ પર મોટરસાયકલ પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેમ તેમ કરીને બચ્યા બાદ 100 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી.
આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ
કારમાં તોડફોડ કરી પોતાના પર જીવલેણ હુમલો કરતા ઈજાગ્રસ્ત હાલતમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખને સારવાર અર્થે પોરબંદરની સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.સમગ્ર ઘટના મામલે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.