પોરબંદરના અનેક વિસ્તારોમાં પાલિકા દ્વારા 3 દિવસને બદલે 10 દિવસે પણ પાણીનું વિતરણ કરાતું ન હોય, જેથી અમુક એરિયામાં દુષિત દુર્ગંધ અને જીવાતવાળા પાણી અપાતા પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. પોરબંદરના જુદા-જુદા વિસ્તારો જેવા કે છાંયા, નવાપરા, બોખીરાના નારાયણ નગરમાં પાણીનું અનિયમિત વિતરણ તો ક્યાંક ગંદા અને દુર્ગંધવાળા પાણીનું વિતરણ થઇ રહ્યું છે.
પોરબંદરના છાંયા નવાપરા અને બોખીરાના નારાયણનગર વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી પાણીનું વિતરણ કરવામાં આવ્યું નથી, સામાન્ય રીતે નગરપાલિકાના નિયમ મુજબ પાણીનું ત્રણ દિવસે વિતરણ થવું જોઈએ પરંતુ અહી દસ દિવસથી પાણીનું વિતરણ કરવામાં આવ્યું નથી.
આ વિસ્તારોમાં જ્યારે પાણી આવે છે ત્યારે ગંદુ દુર્ગંધવાળું અને ફીણાવાળા પાણી આવે છે, જે લોકોના પીવાલાયક હોતું નથી. લોકોને પીવા માટે બહારથી વહેચાતું પાણી ખરીદવું પડે છે. પોરબંદર જીલ્લાના આ વર્ષે સારો એવો વરસાદ થયો છે, ડેમો છલોછલ ભર્યા છે, તેમ છતાં ઉનાળાને પ્રારંભે જ લોકોને શા માટે પાણીની મુશ્કેલીઓ વેઠવી પડે છે. ગંદા અને દુર્ગંધવાળા પાણીને લીધે આ વિસ્તારના લોકોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. આ વિસ્તારના લોકો મેલેરિયા, ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ જેવી બિમારીઓનો ભોગ બન્યા છે.
પાઇપલાઇનમાં ભંગાણ થયું હોવાથી પાણી વિતરણ ન થતું હોવાના ઉડાવ જવાબ
લોકોને ઘરવપરાશ માટે પાણીના ટેન્કરો મંગાવવા પડે છે. સ્થાનિકો પાણી વિતરણ કરતા કર્મચારીને રજૂઆત કરે તો કહે છે કે પાઈપલાઈનમાં ભંગાણ થયું છે અથવા તો એવો જવાબ આપે છે કે કાલે પાણી આવી જશે પરંતુ દસ-દસ દિવસથી પાણીનું વિતરણ થયું નથી.
યોગ્ય નહીં કરાય તો કોંગ્રેસ દ્વારા આંદોલનની ચિમકી ઉચ્ચારાઇ
પોરબંદર કોંગ્રેસના અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ પીવાના પાણીના પ્રશ્નને લઈ તંત્રને રજૂઆત કરી છે, ભલે ત્રણ દિવસે 30 મિનીટ માટે પાણી આપો પરંતુ પીવાલાયક અને શુદ્ધ પાણીનું વિતરણ કરવા જણાવ્યું છે. આ વિસ્તારોમાં પાણીના ટેન્કરોથી પાણીનું વિતરણ કરો, જો પાણીની યોગ્ય વ્યવસ્થા તાત્કાલિક ધોરણે નહી કરવામાં આવે તો પોરબંદર કોંગ્રેસ રહેવાસી ઓને સાથે રાખીને આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.