મુખ્ય પાણીની પાઈપલાઈન લીકેજ થતા પીવાના પાણી વિતરણની સમસ્યા સર્જાણી છે. ભર ઉનાળે પીવાના પાણી માટે લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. એકાંતરા પાણી વિતરણમાં શુક્રવારે જે વિસ્તારનો વારો હતો તેવા કેટલાક વિસ્તારોમાં 5 કલાક મોડું પાણી વિતરણ થયાનું જાણવા મળે છે અને પાણી ધીમા ફોર્સે સાથે આવતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. તા. 8 સુધી નહિવત પાણીનો પુરવઠો મળશે. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. પીવાના પાણીની જરૂરિયાત પણ વધી છે તેવા સંજોગોમાં પોરબંદર છાયા પાલિકા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાણી છે.
પાલિકા તંત્રએ જણાવ્યું છેકે, પોરબંદર શહેરને નર્મદા એન.સી. 38 પાણીની મુખ્ય પાઇપલાઇન રાણાવાવ મામલતદાર કચેરી પાસે લીકેજ થયેલ છે. જેની રીપેરીંગ કામગીરી પાણી પુરવઠા બોર્ડ દ્વારા ચાલુ છે જેને કારણે પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા પર અસર પડી છે. પાઇપલાઇન લીકેજ થતા ભર ઉનાળાના આકરા તાપ વચ્ચે પીવાના પાણી માટે સ્થાનિકોને હાલાકી વેઠવી પડી રહી છે. જે વિસ્તારોમાં એકાંતરા પીવાનું પાણી વિતરણ થાય છે અને જે વિસ્તારોમાં શુક્રવારે પાણી વિતરણ નો વારો હતો તેવા વિસ્તારોમાં પીવાનું પાણી ન આવતા સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
શુક્રવારે પીવાના પાણી માટે બહેનો રાહ જોઇને બેઠા રહ્યા હતા. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ત્રણ દિવસથી પીવાનું પાણી વિતરણ થયું નથી. જેમાં સલાટવાડા, નાગરવાડા, ખારવાવાડના કેટલાક વિસ્તારો, ભોંયવાડા સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી ત્રણ દિવસથી વિતરણ કરવામાં આવ્યું નથી જેને કારણે આ વિસ્તારોમાં પીવાના પાણીનો પોકાર ઉઠ્યો છે. એકાંતરા પીવાના પાણી વિતરણ ને બદલે ત્રણ ત્રણ દિવસ સુધી પાણી ન મળતા અહીંના સ્થાનિકો ગરમી વચ્ચે ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
આવતીકાલ સુધી પીવાના પાણીનો નહીંવત પુરવઠો મળશે
પાલિકા તંત્ર દ્વારા જણાવ્યું છેકે, પાણીની મુખ્ય પાઇપલાઇન લીકેજ હોવાથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા રીપેરીંગની કામગીરી ચાલુ હોવાથી તા. 6/5 થી તા. 8/5 સુધી પીવાના પાણીનો પુરવઠો નહિવત મળશે. આમ આવતીકાલ સુધી પાણી વિતરણનો પુરવઠો નહિવત મળશે.
પીવાનું પાણી ખરીદવાનો વારો આવ્યો
હજુ 8 તારીખ સુધી પાણી નહિવત મળશે જેથી સ્થાનિકોને ફરજિયાત પીવાનું પાણી ખરીદવાનો વારો આવ્યો છે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું.
સોમવારથી પુરતું પાણી વિતરણ કરાશે
{પાલિકા તંત્ર દ્વારા જણાવ્યું હતુંકે, પાણીની મુખ્ય પાઇપલાઇન 2 દિવસ પહેલા લીકેજ થઈ હતી જેથી ગઈકાલે રીપેર કરાવી હતી. ફરીથી શુક્રવારે પાઇપલાઇન તૂટી છે જેથી રીપેરીંગ કામગીરી ચાલુ છે. આથી પીવાનું પાણી સોમવારથી રાબેતા મુજબ પૂરતું વિતરણ કરવામાં આવશે.
ભૂગર્ભ ગટરના પાણી બોરમાં આવતા પાણી વપરાશ લાયક રહ્યું નથી
કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પાણી બોરમા ભળી ગયા છે જેથી દૂષિત અને અતિ દુર્ગંધ યુક્ત પાણી પી શકાય તેમ ન હોય તેમજ દુર્ગંધ યુક્ત પાણી વપરાશમા પણ લઈ શકાતું ન હોય. આ ઉપરાંત દરિયાઈ પટ્ટી પર કેટલાક ઉચાણ વાળા વિસ્તારોમાં બોરનું પાણી ડહોળું અને ખારું હોવાને કારણે પી શકાય તેમ ન હોય જેથી આવા વિસ્તારના સ્થાનિકોને હાલાકી વેઠવી પડી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.