પોરબંદર સહિત રાજ્યભરમા લમ્પી વાઈરસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે પોરબંદર વન વિભાગ દ્વારા બરડા વન્યપ્રાણી અભયારણ્યમાં લમ્પી વાઈરસને અટકાવવા માટે રસીકરણ હાથ ધરવામા આવ્યુ છે. બરડા વન્યપ્રાણી અભયારણ્યમાં આવેલા નેશ વિસ્તારમાં વસતા માલધારીઓના પશુધનમાં લમ્પી વાઈરસ ફેલાતો અટકાવવા માટે વન વિભાગ પોરબંદર તથા પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે.
તબક્કાવાર અપાશે રસી
જેમા પ્રથમ તબક્કામાં સાત વીરડા નેશ આસપાસના નેશ વિસ્તારોમા તથા કિલેશ્વર આસપાસના નેશોમા રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. તબક્કાવાર બરડા જંગલના તમામ નેશોમાં રસીકરણની કામગીરી કરવામાં આવશે. આ રોગ વધુ ફેલાતા અટકાવવા માટે સાવચેતીના પગલા રુપે આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું નાયબ વન સંરક્ષકની કચેરી પોરબંદર વન વિભાગની અખબારી યાદીમાં જણાવાયુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.