પોરબંદર પાલિકાના NULM વિભાગ દ્વારા મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હેઠળ 12 સખી મંડળને રૂ.12 લાખની લોન મળી છે જ્યારે આ વિભાગ દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ 915 શેરી ફેરિયાને કુલ રૂ. 91.50 લાખની લોન અપાવી છે. મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હેઠળ સખી મંડળની બહેનોને 0 ટકા વ્યાજે લોન આપવામાં આવે છે.
બહેનોને આર્થિક દ્રષ્ટિએ આત્મનિર્ભર બનાવવા તેમજ આ સખી મંડળની મહિલાઓ આજીવિકા મેળવી શકે તે હેતુથી એક સખી મંડળને રૂ. 1 લાખની લોન આ યોજના હેઠળ આપવામાં આવી રહી છે ત્યારે પોરબંદર પાલિકાના NULM વિભાગ દ્વારા શહેરની 12 જેટલા સખી મંડળને રૂ. 12 લાખની લોન અપાવી છે.
જેથી આ સખી મંડળની બહેનોને આ લોન ઉપીયોગી સાબિત થશે. 12 સખી મંડળમા મોટાભાગની બહેનો કેટરિંગના કામ સાથે સંકળાયેલ છે. આ ઉપરાંત પીએમ સ્વનિધિ યોજના હેઠળ શેરી ફેરિયાઓને રૂ. 10 હજારની લોન આપવામાં આવે છે.
ત્યારે પાલિકાના NULM વિભાગ દ્વારા શેરી ફેરિયા જેવાકે શાકભાજી, ફ્રુટ, કાપડ, ભંગારની ફેરી કરતા હોય તેવા 915 ફેરિયાઓને કુલ રૂ. 91.50 લાખની લોન અપાવી છે. આ લોનમાં સરકાર તરફથી 7 ટકા વ્યાજ સહાય મળે છે. આ ફેરિયાઓ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ઉપીયોગ કરે તો તેઓને ઇનસેન્ટિવનો લાભ પણ મળે છે.
લોનના હપ્તા સમયસર ભરનાર ફેરિયાને રૂ. 20 હજારની લોન મળશે
આ વિભાગના આરતીબેને જણાવ્યું હતું કે જે ફેરિયાઓ રૂ. 10 હજારની લોન લીધી છે અને સમયસર બેંકમાં હપ્તા ભર્યા છે અને બેંક દ્વારા નો ડયુ સર્ટી મળે તો તેઓને રૂ. 20 હજારની લોન મળશે. આવા 57 ફેરિયાના ફોર્મ ઓનલાઇન ભર્યા છે. અરજી બેંકમાં મોકલી છે.
26 સખી મંડળની લોન પ્રોસેસમાં છે
આ વિભાગના આરતીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હેઠળ સખી મંડળને 0 ટકા વ્યાજે લોન રૂ. 1 લાખની લોન મળે છે જેમાં 12 સખી મંડળ ને લોન મળી છે. હજુ 26 જેટલા સખી મંડળની લોન પ્રોસેસમાં છે. પ્રોસેસ પુરી થયે આ 26 સખી મંડળને પણ લોન મળશે.
ઉમ્મીદ સેન્ટરમાં પરિવારના 6 સભ્યોએ આશ્રય મેળવ્યો
પોરબંદર પાલિકા હસ્તક ઉમ્મીદ સેન્ટર આવેલું છે. આ સેન્ટર ખાતે આશ્રય સ્થાન બનાવવામાં આવે તે માટે ટેમ્પરરી મંજૂરી મળી છે. જે લોકો ફૂટપાથ પર જીવન જીવે છે તેઓને આશ્રય મળી રહે અને તેઓના સંતાનોને ભગતર મળી શકે તે હેતુથી પાલિકાના NULM વિભાગની ટિમ કામગીરી કરે છે.
આ ટિમ દ્વારા સર્વે કરવામાં આવતા 86 લોકો ફૂટપાથ પર રહે છે તેઓને આ ટીમે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કેટલાક લોકો વ્યશની છે અને આશ્રય સ્થાને અન્ય લોકોને પરેશાન કરી શકે છે તેમજ કેટલાક લોકો આશ્રય સ્થાને આવવા તૈયાર નથી થતા.
હાલ ઉમ્મીદ સેન્ટર ખાતે ગરેજ ગામનો એક પરિવાર એટલેકે 6 લોકો રહે છે તેઓ ફૂટપાથ પર જીવન જીવતા હતા આ લોકોને અહીં આશ્રય આપવામાં આવ્યો છે અને તેમના 2 બાળકને સ્કૂલમાં એડમિશન પણ અપાવી દેવામાં આવશે. આ ઉમ્મીદ સેન્ટર કાયમી આશ્રય સ્થાન માટે તબદીલ કરવા માટે દરખાસ્ત પણ મુકવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.