મેઘરાજા રિસાઇ ગયા:ચોમાસુ મોડું થતાં છત્રી- રેઇનકોટનાં બજારમાં મંદી

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ વરસે ત્યારે ચાલુ વરસાદે મોટાભાગની ખરીદી થતી હોય છે : બજારમાં 80થી લઇ 350 રૂપિયા સુધીની છત્રી ઉપલબ્ધ

પોરબંદર જિલ્લામાં આ વખતે મેઘરાજા રિસાઇ ગયા હોય તેમ ચોમાસું મોડું થઇ રહ્યું છે જેથી ખેડૂતો સહીત જિલ્લાવાસીઓ તો ચિંતાતુર બન્યા છે પરંતુ વરસાદ ખેંચાતા લોકો છત્રી અને રેઇનકોટની ખરીદી પણ ન કરી રહ્યા હોવાથી છત્રી અને રેઇનકોટના વેપારીઓ પણ ચિંતાતુર બન્યા છે.

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાની મહામારીને લીધે ધંધા ઉદ્યોગમાં ભારે મંદી જોવા મળી રહી છે જેની અસર પોરબંદર જીલ્લામાં પણ વર્તાઇ રહી છે. કોરોનાની મંદીની સાથોસાથ આ વખતે ચોમાસુ હજી સુધી પોરબંદર જીલ્લામાં સક્રિય ન થતા ચોમાસામાં મુખ્ય સીઝનલ વેપાર ગણાતા છત્રી અને રેઇનકોટનો ધંધો પણ મંદીમાં ચાલી રહ્યો છે.

આ વર્ષે છત્રી અને રેઇનકોટના ભાવમાં કોઇ જ વધારો થયો ન હોવા છતાં 30 થી 40 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં ગત વર્ષે અને આ વર્ષે છત્રી અને રેઇનકોટના ભાવ જોવા જઇએ તો 1 છત્રીની કિંમત રૂ. 80 થી લઇ રૂ. 350 સુધી જોવા મળે છે જયારે કે રેઇનકોટ રૂ. 250 થી લઇ રૂ. 1000 સુધીના પોરબંદરની બજારોમાં મળી રહે છે.

જુદા જુદા વર્ગ મુજબ જુદી-જુદી છત્રીઓની ખરીદી કરવામાં આવે છે જેમાં ખેડૂતો અને લાંબા અંતરની મુસાફરી કરનાર લોકો છત્રીસ તારવાળી છત્રીઓની ખરીદી કરે છે. જયારે શહેરીજનોમાં પુરુષો 18 થી 22 તારવાળી છત્રીઓ ખરીદે છે જયારે કે મહિલાઓ 16 તારવાળી નાની લેડીઝ છત્રીઓની ખરીદી કરે છે.

પરંતુ હજુ સુધી છત્રીઓની ખાસ થતી ખરીદી બજારમાં જોવા મળી રહી નથી ત્યારે વેપારીઓએ જણાવ્યું હતું કે વરસાદ વરસવાની શરૂ થાય ત્યારે ચાલુ વરસાદે કુલ વેપારના 50 ટકા જેટલી છત્રીઓનું વેચાણ થાય છે.

ગત સીઝનમાં છત્રીઓ અને રેઇનકોટનું અંદાજીત વેચાણ
પોરબંદરમાં ગત વર્ષે વર્ષાઋતુનુ સીઝન દરમ્યાન અંદાજીત 10 થી 15 હજાર જેટલા રેઇનકોટ અને 15 થી 20 હજાર જેટલી છત્રીઓનું પોરબંદરની બજારોમાં વેચાણ થયું હતું.

બાળકોને કાર્ટૂનના પાત્રો વાળી છત્રીઓનો વિશેષ લગાવ
પોરબંદરની બજારોમાં વેચાતી બાળકો માટેની ખાસ છત્રીઓની વાત કરીએ તો બાળકોને ડોરેમોન, છોટાભીમ, બાર્બી, હનુમાનજીના ચીત્રોવાળી છત્રીઓ તથા ડબલ કાન વાળી રંગબેરંગી છત્રીઓનો વિશેષ લગાવ જોવા મળે છે. આવી બાળકો માટેની ફેન્સી છત્રીઓ પોરબંદરની બજારમાં રૂ. 150 થી રૂ.300 ના ભાવે વેચાય છે અને બાળકોના રેઇનકોટ પણ આવીજ વિવિધતા સાથે રૂ. 200 થી રૂ. 350 ના ભાવમાં વેચાય છે.

અન્ય સમાચારો પણ છે...