ખાડાઓનું સમારકામ ક્યારે?:પોરબંદરના ઓવરબ્રિજ પર હાડકાં ભાંગી નાખે તેવા બેથી ત્રણ ફૂટ લાંબા ખાડાથી ચાલકો પરેશાન, ખાડા પૂરો અભિયાન શરૂ કરવાની માગ

પોરબંદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇવે ઓથોરીટી તગડો ટોલટેક્સ વસુલે છે, પરંતુ રસ્તાના સમારકામ કરવા માટે ગંભીરતા દાખવતી નથી - કોંગી આગેવાન
  • સાફ સફાઇના અભાવે ગંદકીનું સામ્રાજ્ય, અનેક જગ્યાએ ધૂળનું પણ સામ્રાજ્ય

પોરબંદરના નરસંગ ટેકરીથી હનુમાન રોકડીયાને જોડતા ઓવરબ્રીજ ઉપર હાડકા ભાંગી નાખે તેવા ખાડાનું સમારકામ કયારે થશે ? તેવા સવાલ સાથે પોરબંદર કોંગ્રેસ દ્રારા નેશનલ હાઇવે ઓથોરીટીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરમાં એક અબજના વિવાદાસ્પદ ઓવરબ્રિજ પર પડેલ ગાબડા ચોમાસાના કારણે વધુ ઉંડા થઇ ગયા છે. એક વર્ષ પહેલા રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી ખાડા બુરવામાં આવ્યા નથી તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસે નેશનલ હાઇવે ઓથોરીટીને રજૂઆત કરી ઓવરબ્રિજ ઉપર ખાડા પૂરો અભિયાન શરૂ કરવું જોઇએ તેવી માંગ કરી છે.

નેશનલ હાઇવેનો આ રસ્તો ગાડા અને ગાબડા માર્ગ બની ગયો - કોંગી આગેવાન
પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને કોંગ્રેસના આગેવાન રામદેવ મોઢવાડિયાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે પોરબંદરના એક અબજના સ્પ્લીટ ફલાય ઓવરબ્રિજ ઉપર લાંબા સમયથી ઠેરઠેર ગાબડા પડ્યા હોવાના કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમ છતા તંત્ર આ બાબતને ગંભીરતાથી લેતું નથી. નેશનલ હાઇવેનો આ રસ્તો ગાડા અને ગાબડા માર્ગ બની ગયો હોય તેવું લોકો અનુભવી રહ્યા છે. કારણ કે અહિંયા ચારે બાજુ બે-ત્રણ ફૂટ લાંબા અને ચાર-છ ઇંચ ઊંડા ખાડામાંથી થડકા ખાઇને વાહનો જાય છે અને નાના મોટા વાહન અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. જવાબદાર નેશનલ હાઇવે ઓથોરીટી આ મહત્વના મુદે કેમ કોઇ નકકર કામગીરી કરવા માટે આગળ આવતી નથી તેવો સવાલ ઉઠાવીને વધુમાં રામદેવ મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે નેશનલ હાઇવે ઓથોરીટી તગડો ટોલટેક્સ વસુલે છે, પરંતુ બિસ્માર રસ્તાના સમારકામ કરવા માટે ગંભીરતા દાખવતી નથી. જેના કારણે બહારથી આવતા પ્રવાસીઓ અને ખાસ કરીને દ્વારકા અને સોમનાથ જતા પ્રવાસીઓને પણ અહિંયા ગાબડામાંથી વાહનો પસાર કરવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે, તેથી તંત્રે વહેલી તકે આ સમસ્યાના નિરાકરણ માટે કાર્યવાહી કરવી જોઇએ.

સાફ સફાઇના અભાવે ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય
પોરબંદર કર્લી પુલથી રોકડીયા હનુમાન મંદિર સુધીના બ્રિજ ઉપર અને માધવાણી કોલેજથી રોકડીયા હનુમાન સુધીના બીજા માળે સાફ સફાઇના અભાવે ગંદકી જોવા મળી રહી છે. ઠેર ઠેર પ્લાસ્ટિકની કોથળી સહિત કચરો ચોતરફ ઊડી રહ્યો છે, તો બીજી તરફ રોડ પરથી કોક્રીટ ઊખડી જવાના કારણે કાંકરીઓ વાહનના ટાયરોમાં ખૂંચી જાય છે. સતત ધૂળ ઉડતી હોવાથી અનેક જગ્યાએ ધૂળનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. એટલા માટે અહિંચા યોગ્ય સાફ-સફાઇ પણ કરાવવી જોઇએ, તે ઉપરાંત જ્યાં પુલના સાંધા આવેલા છે ત્યાં ઊંડા ખાડાને કારણે ટુ વ્હીલરમાં જતા વાહનચાલકોના મણકા ખસી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે તેથી તેનું પણ યોગ્ય સમારકામ કરાવવું જોઇએ તેવી માંગણી રામદેવ મોઢવાડીયાએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...