હેરાનગતિ:વેરા બીલમાં કયુઆર કોડ સ્કેન થતો ન હોવાથી લોકોને મુશ્કેલી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા કચેરીએ લાઇનમાં ઉભીને હેરાનગતિ, કોંગ્રેસ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ

પોરબંદર નગરપાલિકા દ્વારા વેરા વસુલી માટે પહોંચ આપવામાં આવે છે, જેમાં મિલ્કત વેરો વસુલવામાં આવે છે. વેરા વસુલાતની આ કામગીરી એપ્રિલ મહિનાથી શરૂ થઇ ગઇ હોવા છતાં અનેક વિસ્તારોમાં જૂલાઇ મહિનામાં માંગણા બીલની આ પહોંચ મોકલવામાં આવી છે, જેમાં અમુક વિસ્તારમાં બીલની તા. 10/6 છે અને આ બીલ રીબેટની તારીખ એટલે કે દસ ટકા વેરો ઓછો ભરવો પડે તે માટે એક મહિનાની મુદત અપાય છે. માટે તા. 10/7 સુધીમાં વેરો ભરનારને 10 ટકાનો લાભ મળે છે

પરંતુ આ પ્રકારની પહોંચ અમુક વિસ્તારમાં 9/7ને શનિવારે પહોંચાડવામાં આવી છે, જેથી રવિવારની રજા હોવાથી સોમવારે કોઇ વેરો ભરવા માટે જાય તો તેને 10 ટકા રીબેટનો લાભ મળતો નથી. લોકો આ રીબેટનો લાભ લઇ શકે નહીં તે રીતે ઘણા વિસ્તારોમાં પહોંચ આપવામાં આવી છે તેમ જણાવીને પોરબંદર પાલિકાના વિપક્ષ નેતાએ પાલિકાના રાજ્યના નિયામકને જણાવ્યું છે કે આ રીતે પાલિકાનું તંત્ર ચાલાકીપૂર્વક લોકો 10 ટકા લાભ લઇ શકે નહીં તે રીતે મોડા વેરાના બીલ પહોંચાડી રહ્યું છે,આ રીતની ફરિયાદ અનેક વિસ્તારોમાંથી ઉઠી છે.

વળી, પાલિકાના વેરાની પહોંચ પર કયૂઆર કોડ છાપવામાં આવે છે. ઓનલાઇન વેરો ભરવા માટે આ કયૂઆર કોડ સ્કેન કરવા જણાવાય છે અથવા સરકારની વેબસાઇટ પર ઓનલાઇન વેરો ભરવા જણાવાય છે પરંતુ કયૂઆર કોડ સ્કેન થતો નથી જેના કારણે લોકોને પાલિકા કચેરી ખાતે લાંબી લાઇનોમાં ઉભવું પડે છે અને તેમાં પણ સમયનો વ્યય થાય છે તેથી વહિવટ અંગે ફરિયાદ કરીને યોગ્ય તપાસની માંગણી કરી છે તથા આ રીતે બેદરકારી દાખવવામાં જો કોઇ કર્મચારીઓ સંડોવાયા હોય તો તેમની સામે પણ કડક પગલા ભરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...