પોરબંદર શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. જ્યારે ફૂટપાથ પર દબાણ થઈ રહ્યું છે જેને કારણે વાહનોના ટ્રાફિક અને વાહનોના પાર્કિંગ વચ્ચે સિનિયર સિટીઝનો અકસ્માતના ભય સાથે રસ્તા પર ચાલી રહ્યા છે.
પોરબંદર છાયા પાલિકા વિસ્તારમાં રસ્તાઓ પહોળા કરવા જરૂરી બન્યા છે અને તેમાં પણ ખાસ ફૂટપાથ અનિવાર્ય બની છે. ફૂટપાથ રાહદારીઓ માટે હોય છે જયાં સિનિયર સિટીઝન તથા મહિલાઓ, બાળકો સલામતી અનુભવે છે, પરંતુ શહેરમાં આવેલ ફૂટપાથ પર પેશકદમી કરવામાં આવી રહી છે.
એમજી રોડ તેમજ મુખ્ય બજાર પર લારીઓ ખડકી દેવામાં આવે છે તો કેટલીક ફૂટપાથ પર સ્કૂટરો પાર્ક કરવામાં આવે છે. પાથરણા તેમજ કેટલાક વેપારીઓ પોતના શોરૂમ - દુકાનોની જાહેરાતના બોર્ડ ગોઠવી દેતા હોય છે. ત્યારે લોકો ફૂટપાથનો ઉપયોગ કરી શકતા નથી.
વળી ફૂટપાથ બાદ રોડ પર વાહનો પાર્કિંગ કરવામાં આવે છે જેથી ફૂટપાથ પર દબાણ અને બાદ રસ્તા પર વાહન પાર્ક હોવાને કારણે લોકોને રસ્તા વચ્ચેથી પસાર થવું પડે છે જેને કારણે વાહન હડફેટે ઈજા થવાનો ભય સતાવે છે.
વાહન ટ્રાફિક ના કારણે આમેય રસ્તા પર સતત ટ્રાફિક જામ રહે છે અને જેથી રાહદારીઓને વાહન અકસ્માતનો ભય રહે છે. ફૂટપાથ પર વિવિધ પ્રકારે દબાણ વધતાં ફૂટપાથ નો ઉપયોગ રાહદારીઓ કરી શકતા ન હોવાથી રાહદારીઓને ફરજીયાત રોડ પર ચાલવું પડે છે જેને કારણે વાહન હડફેટે આવી જવાનો ડર રહે છે.
શું કહે છે ચીફ ઓફિસર?
પાલિકાને ફરિયાદ મળશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. પાલીકા તંત્રની ટીમને આ અંગે સર્વે કરવા પણ સૂચના આપવામાં આવશે. ફૂટપાથ પરના દબાણ અંગે કાર્યવાહી કરવામાં આવશે. (મનન ચતુર્વેદી, ચીફ ઓફિસર, પાલિકા, પોરબંદર)
ફૂટપાથ માત્ર 20 કિમીની!
પોરબંદર છાયા પાલિકા વિસ્તારમાં 300 કિમીના રસ્તા છે અને ફૂટપાથ માત્ર 20 કિમીની છે. ત્યારે આ ફૂટપાથ પર દબાણ થતા ચાલવા માટે માંડ 5 કિમી ફૂટપાથ હોય શકે છે ત્યારે ફૂટપાથો પરના દબાણ દૂર કરવામાં આવે અને ફૂટપાથ રાહદારીઓ માટે ખુલ્લી મૂકવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.