તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:પક્ષી અભયારણ્યમાં ચાલુ વર્ષે 47 રાષ્ટ્રિય પક્ષી મોરની સારવાર

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં જંતુનાશક દવાના ઉપયોગથી મોર પક્ષી બીમાર પડયાનું સામે આવ્યું

દિવસે દિવસે રાષ્ટ્રીય પક્ષી મોરની સંખ્યામાં ધટાડો જોવા મળી રહેલ છે. જે માટે મોરના આવાસને યોગ્ય ઉંચા વૃક્ષોની ધટતી જતી સંખ્યા તથા અકસ્માતે થતાં મૃત્યુ જવાબદાર છે. પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે આવેલ રેસ્ક્યુ તથા સારવાર કેન્દ્ર ખાતે ચાલુ વર્ષ 2021 દરમિયાન 47 જેટલા મોર જિલ્લાના અલગ-અલગ ભાગોમાંથી સારવાર માટે આવેલ હતા. જેની સારવાર કરવામાં આવી છે. જેમાંથી ઘણાખરા મોરમાં ઝેરી દવાની અસર જોવા મળેલ હતી.

શાકભાજીની ખેતીમાં ખેડુતો દ્વારા મોટા જથ્થામાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આંબામાં મોર એટલેકે ફૂલ આવવાની સીઝનમાં પણ દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. આ ઝેરી દવાઓનો ભોગ મોર તથા અન્ય પક્ષીઓ બને છે. દવા છાંટેલા શાકભાજીના પાન તથા ફળફુલનો મોર દ્વારા ખોરાકમાં ઉપયોગ થાય ત્યારે ઝેરની અસર થાય છે તથા મોરનું મૃત્યુ થાય છે અથવા મોર પેરેલાઇઝડ થઇ જાય છે. દવાની વધુ અસર પામેલા મોરને સારવાર આપવા છતાં બચાવી શકાતા નથી.

જંતુનાશક દવાઓ પક્ષીઓના શરીરમાં લાંબા સમય સુધી જાય તો પ્રજનન દર પણ ધટી શકે છે. કિટકનાશક દવાઓનો ખેતીવાડીમાં ઉપયોગ કરતી વખતે ખાસપાસના વિસ્તારમાં મોરનું ગ્રુપ રહેતું હોય તો ખેડુતોએ વિશેષ કાળજી રાખવી જરૂરી છે. પાક પર દવા છાંટેલ હોય ત્યારે આવા પક્ષીઓને પાકથી દૂર રાખવા જોઇએ.

બેદરકારી પૂર્વક ઝેરી દવાનો ઉપયોગ કરી મોરની હત્યા કરવી એ ગુનો છે
જંતુનાશક દવાઓનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઇએ. બેદરકારી પૂર્વક ઝેરી દવાઓનો ઉપયોગ કરી મોરનું મૃત્યુ નિપજાવવું તે ગુન્હો બને છે. જેથી પૂરતી તકેદારી રાખી રાષ્ટ્રીય પક્ષી મોરના સંરક્ષણમાં સહકાર આપવા પોરબંદર વન વિભાગ તરફથી અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...