ચૂંટણી:10 લાખથી વધુના ટ્રાન્ઝેકશન પર ચૂંટણી તંત્રની બાજ નજર

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી દરમ્યાન રોજે રોજનો રિપોર્ટ બેન્કે નોડલ અધિકારીને મોકલવાનો રહેશે
  • વિધાનસભાની ચૂંટણીને લઈને પોસ્ટલ, સરકારી, રાષ્ટ્રીયકૃત અને સહકારી સહિત તમામ બેન્કોના અધિકારીને તાકીદ કરાઇ

વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે દરેક પક્ષના ઉમેદવારો નક્કી થયા બાદ ચૂંટણીમાં ઉમેદવાર દ્વારા થનારા ખર્ચને લઈને ખર્ચ નિયંત્રણ સેલના નોડલ અધિકારીએ રૂ. 10 લાખથી વધુના ટ્રાન્ઝેકશન અંગે બેન્કે રિપોર્ટ કરવો પડશે, સહિતની બાબતોની તમામ બેન્કના અધિકારી સાથે મિટિંગ કરી તાકીદ કરી હતી.

2017 સાપેક્ષમાં આ ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારની ખર્ચ મર્યાદામાં રૂ. 10 લાખનો વધારો કરી રૂ. 40 લાખની રકમ કરવામાં આવી છે. ત્યારે જિલ્લાની 2 વિધાનસભા બેઠક પર ઉમેદરવાર દ્વારા કરાતા ખર્ચ પર દેખરેખ રાખવા માટે ઊભા કરાયેલા ખર્ચ નિયંત્રણ સેલના નોડલ અધિકારીએ જિલ્લાની પોસ્ટલ, સરકારી, રાષ્ટ્રીયકૃત અને સહકારી સહિત તમામ બેન્કોના અધિકારી સાથે બેઠક કરી તમામ પક્ષોના ઉમેદવાર નક્કી થયા બાદ તેમના પ્રાયોરિટી બેઇઝ પર ખાતા ખોલીને એક ચેકબુક આપવાની તેમજ ઉમેદવારના ટ્રાન્ઝેકશન અંગે પણ ચૂંટણી ખર્ચના દેખરેખ નિયંત્રણ સેલને જાણ કરવા તાકીદ કરવામાં આવી હતી અને સાથે બેન્કને રિપોર્ટિંગ પણ કરવા સૂચના આપવામાં આવી હતી.

પોરબંદર વિધાનસભા સીટની ઉમેદવારી માટે વધુ 19 ફોર્મ ઉપડ્યા,
કુતિયાણા માંથી 2 ફોર્મ ઉપડ્યા, એકપણ ઉમેદવારી ફોર્મ રજૂ થયું નથી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની તારીખ જાહેર કરવામાં આવી છે ત્યારે 83 પોરબંદર અને 84 કુતિયાણા વિધાનસભા સીટ માટે સોમવારે પોરબંદર માંથી 19 ફોર્મ ઉપડ્યા હતા જ્યારે કુતિયાણા બેઠક પરથી 2 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. એકપણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી. આગામી તા. 14 નવેમ્બર સુધી પોરબંદર અને કુતિયાણા એમ બન્ને બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ઉલ્લેખનીય છેકે, શનિવારે અને સોમવારે એમ બન્ને દિવસમાં પોરબંદર વિધાન સભા સીટ માટે કુલ 25 ફોર્મ ઉપડ્યા છે જ્યારે કુતિયાણા માંથી કુલ 3 ફોર્મ ઉપડ્યા છે.

હવે થનારા રૂ. 1 લાખથી વધુના ટ્રાન્ઝેકશન પર
પણ વોચ રખાશે

અગાઉના 2 માસમાં તમામ બેંકોમાં કોઈપણ ખાતામાં રૂ. 1 લાખથી વધુના ટ્રાન્ઝેકશન નહિ થયા હોય અને જો હવે થતા હોય અને બેન્કને શંકાસ્પદ લાગતા હોય તેવા ખાતાઓ અંગે પણ ખર્ચ નિયંત્રણ સેલને જાણ કરવા બેન્કને જણાવાયું છે.

ચીજ વસ્તુઓના ભાવ નક્કી કરવા રાજકીય પ્રતિનિધિઓ સાથે બેઠક
વિધાનસભાની ચૂંટણીમાં થનારો ખર્ચ ઉમેદવારના ખાતામાં જ ગણવાનો હોય, ચૂંટણી કાર્યાલય પર બાંધવામાં આવ્યો મંડપ, કાર્યકરોને પીવડાવવામાં આવતું ચા, પાથરવામાં આવતા ગાદલા, સોફાસેટ, બેનર, ખુરશી, જમવાની ડિશ તેમજ પ્રચાર દરમ્યાન ફરવાની ગાડીઓના ભાડા સહિત અંદાજે 200 જેટલી ચીજોના ભાવ નક્કી કરવા પણ ચૂંટણી ખર્ચ નિયંત્રણ સેલના નોડલ દ્વારા જિલ્લાના રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવશે.

પોરબંદર અને કુતિયાણામાં ચૂંટણીની ફ્લાઈંગ સ્કવોર્ડનું પેટ્રોલિંગ શરૂ
પોરબંદર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ચૂંટણી પંચના નિર્દેશો મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટના સંકલનમાં પોરબંદર અને કુતિયાણા વિધાનસભાની ચૂંટણીના મત ક્ષેત્રમાં વિવિધ ફ્લાઇંગ સ્કોવોર્ડ બનાવવામાં આવી છે.આ ટીમો ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાની અમલવારી થાય તેમજ વિવિધ રજૂઆત સંદર્ભમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે.

પોરબંદરમાં આચારસંહિતા અંગે કુલ 4 ફરિયાદ નોંધાઇ
વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે આચાર સંહિતા લાગુ પડી છે. આચાર સંહિતા અંગે સોમવારે બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 4 ફરિયાદો મળી છે, જેમાં પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ફરિયાદ કરી હતી કે, બખરલા ગામે પાવ સીમ વિસ્તારમાં રાજકીય કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત બોખીરા બગવદર રોડ પર આવેલ બ્રિજ પર ભાજપના બેનર લાગાવાયા છે જે ઉતારવા બાબત ફરિયાદ કરી હતી. વાડી પ્લોટ શાકમાર્કેટ પાસે ભાજપના બેનર બાબતે અશ્વિન મોતીવરસે તેમજ જીઆઇડીસી વિસ્તારમાં ભાજપના બેનર બાબતે ભનુભાઇ ઓડેદરાએ ફરિયાદ નોંધાવી હતી. આ ચારેય ફરિયાદનો નિકાલ થયો હોવાનું ચૂંટણી કંટ્રોલ રૂમ ખાતેથી જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...