પોરબંદરમાં સારી સુવિધા ધરાવતી એક પણ ધર્મશાળા નથી જેના કારણે મોટાભાગના પ્રવાસીઓ પોરબંદરમા રાત્રી રોકાણ કરી શકતા નથી અને સોમનાથ અથવા દ્વારિકા જતા રહે છે, પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવા ધર્મશાળા હોવી જરૂરી બની છે.
પોરબંદર એ મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ છે તેમજ ભારતભરમાં એકમાત્ર સુદામાજીનું મંદિર પોરબંદર ખાતે આવેલું છે. પોરબંદરમાં ભારત મંદિર, તારા મંદિર, રમણીય ચોપાટી સહિતના સ્થળો આવેલા છે. અહીં દરરોજ બહોળી સંખ્યામાં પ્રવાસીઓ પોરબંદરની મુલાકાતે આવતા હોય છે. અન્ય જિલ્લામાં જ્યા યાત્રાધામ, ફરવાના સ્થળો હોય ત્યાં ગુજરાતી સમાજ ધર્મશાળા હોય છે જેથી સારી સુવિધા વાળી ધર્મશાળા ખાતે સસ્તા દરથી યાત્રીકો રાત્રી રોકાણ કરે છે અને એ શહેરમાં ખાણીપીણી થી માંડીને હોટલ રેસ્ટોરન્ટ સહિતના વેપારીઓને યાત્રિકોનો લાભ મળતો હોય છે જેથી પ્રવાસન ક્ષેત્રે વેગ મળે છે.
પોરબંદરની વાત કરીએ તો વર્ષોથી પોરબંદરમાં એક પણ સારી સુવિધા ધરાવતી ધર્મશાળા નથી. જેના કારણે યાત્રિકો તો પોરબંદર આવે છે પરંતુ માત્ર કીર્તિમંદિર અને સુદામા મંદિરના દર્શન કરીને, ચોપાટી સહિતના સ્થળોએ મુલાકાત લીધા વિના સોમનાથ અથવા દ્વારકા તરફ રવાના થઈ જતા હોય છે. મોટાભાગના પ્રવાસીઓ પોરબંદરમાં રાત્રી રોકાણ કરતા નથી. આથી પ્રવાસનને વેગ આપવા માટે પોરબંદરમાં સારી સુવિધા ધરાવતી ધર્મશાળા હોવી જરૂરી છે તેવું પ્રબુદ્ધ નાગરિકો દ્વારા માંગ ઉઠી છે.
વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા વધી
કીર્તિમંદિર ખાતે ગત માસે સરેરાશ 300 થી વધુ પ્રવાસીઓ વિઝીટર મશીનમાં નોંધાયા હતા. હાલ વેકેશનની શરૂઆત થતા જ એક અઠવાડિયા દરમ્યાન 100થી વધુ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલ સરેરાશ 400થી વધુ પ્રવાસીઓ કીર્તિમંદિર ખાતેના વિઝીટર મશીનમાં નોંધાયા છે.
ધર્મશાળા બને તો વેપાર જગત ધમધમતો થાય - ચેમ્બર પ્રમુખ
પોરબંદરમાં સારી સુવિધા ધરાવતી ધર્મશાળા નથી. સારી સુવિધા ધરાવતી ધર્મશાળા બનાવવામાં આવે અને ટોકન દરે આપવામાં આવે તો યાત્રિકો પોરબંદરમાં રાત્રી રોકાણ કરે. જેથી બજારમાં વધુ રોનક આવે. યાત્રિકો ખાણીપીણી તેમજ વિવિધ ચીજોની ખરીદી કરે જેથી વેપાર જગતને ફાયદો થઈ શકે. વેપાર જગત ધમધમતો થઈ શકે. > જીગ્નેશ કારીયા, પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ, પોરબંદર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.