પ્રયાસો નિષ્ફળ:ચોપાટી પાસે તોરણ ટુરિસ્ટ બંગલો બની રહ્યો છે ખંઢેર

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 ફેબ્રુઆરી 2021થી આ બંગલો પ્રવાસીઓ માટે બંધ કરાયો હતો, હજુસુધી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ના કરેલ પ્રયાસો નિષ્ફળ રહ્યા

પોરબંદરની ચોપાટી પાસે આવેલ કરોડો રૂપિયાનો તોરણ ટુરિસ્ટ બંગલો ખંઢેર બની રહ્યો છે. તા. 1 ફેબ્રુઆરી 2021થી આ બંગલો પ્રવાસીઓ માટે બંધ કરાયો હતો. બાદ હજુસુધી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના કરેલ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.મહાત્મા ગાંધીજીનું જન્મ સ્થળ અને કૃષ્ણ સખા સુદામા નગરી તેમજ રમણીય ચોપાટીના કારણે પોરબંદરમાં અનેક પ્રવાસીઓ આવે છે.

ચોપાટી પાસે જ સારી સુવિધા મળે તે માટે પ્રવાસન વિભાગ દ્વારા 4 દાયકા પહેલા ચોપાટી ખાતે વિશાળ જગ્યા માં તોરણ ટુરિસ્ટ બંગલો શરુ કરાયો હતો. 20 રૂમ ડબલ બેડ તેમજ 4 ડીલક્ષ રૂમ સાથે આ બધા રૂમો એરકન્ડીશનથી સજ્જ કરી નવા રંગરૂપ સાથે 2015મા નવીનીકરણ કરી ફરી શરુ કરાયો હતો.

તોરણ ટુરિસ્ટ બંગલો ચોપાટી બીચ પર હોવાથી તથા ખાનગી હોટલોની સરખામણીમાં ઓછુ ભાડું હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેનો લાભ લઇ રહ્યા હતા.પરંતુ આ ટુરિસ્ટ બંગલો ગત તા.1 ફેબ્રુઆરી 2021થી પ્રવાસીઓ માટે બંધ કરાયો હતો. આ ટુરિસ્ટ બંગલાનું ખાનગીકરણ કરી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ કરવા માટે જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છેકે, તોરણ ટુરિસ્ટ બંગલામાં 8 જેટલા રૂમ જર્જરિત બન્યા છે.

આ ટુરિસ્ટ બંગલાનું ખાનગીકરણ કરી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા પરંતુ આ પ્રયાસો નિષ્ફળ ગયા છે. હાલ આ કરોડોની રૂપિયાની કિંમતનો ટુરિસ્ટ બંગલો ખંઢેર હાલતમાં ફેરવાઈ રહ્યો છે.

સરકારને આવક થતી હતી જે બંધ થઈ
આ ટુરિસ્ટ બંગલામાં અનેક પ્રવાસીઓ ઉતારો કરતા હતા ઉપરાંત કોઈ પરિવારમાં લગ્ન,સગાઈ જેવા પ્રસંગો હોય તો તેમનો આ પ્રસંગ બહુ જ સારી રીતે કરી શકે તેમના માટે ટુરિસ્ટ બંગલા નું વિશાળ ખુલ્લી જગ્યાનું ગ્રાઉન્ડ પણ ભાડે આપવામાં આવતું હતું.ઉપરાંત જન્માષ્ટમી ના લોકમેળા દરમ્યાન પણ આ મેદાન ફૂડ ફેસ્ટીવલ માટે ભાડે અપાતું હતું. જેથી સરકારને આવક થતી હતી.
પ્રબુદ્ધ નાગરિકોની માંગ
પોરબંદરનો ટુરિસ્ટ બંગલાના જર્જરિત રૂમોનું સરકાર દ્વારા સમારકામ કરવામાં આવે અને બાદ ખાનગીકરણ કરવામાં આવે તો ખાનગી કંપની રસ દાખવી આ તોરણ ટુરિસ્ટ બંગલો શરૂ કરે તો પ્રવાસીઓને ફાયદો થાય અથવા જો પીપીપી ધોરણે કોઈ પાર્ટી લેવલ ન હોય તો સરકારે અહી સમારકામ કરી ફરીથી આ બંગલો શરૂ કરવો જોઈએ જેથી પ્રવાસીઓને ચોપાટી પાસે જ ઉતારાની સુવિધા મળે તેવી પ્રબુદ્ધ લોકો દ્વારા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...