આધુનિક નેટના યુગમાં આજે પણ દિવાળી સાહિત્યની ધૂમ ખરીદી કરવામાં આવે છે. જિલ્લાવાસીઓએ લોકોએ કેલેન્ડર, પંચાંગ, તારીખિયા, ચોપડાઓની ખરીદી કરી છે.દિવાળીના તહેવારમાં ચોપડા પૂજનનું અનેરું મહત્વ રહેલું છે. ચોપડાની ખરીદી સાથે કેલેન્ડર, તારીખિયા, પંચાંગની ખરીદી પણ લોકો કરતા હોય છે. હાલ ટેકનોલોજીના આધુનિક યુગમાં મોબાઈલ મા પંચાંગ, ડાયરી, કેલેન્ડર સહિત ડાઉનલોડ થાય છે અને લોકો મોબાઈલ એપ ડાઉનલોડ કરી યાદી પણ મોબાઈલમાં રાખતા હોય છે. આમછતાં વર્ષો જૂની પરંપરા આજે પણ લોકોએ જાળવી રાખી છે.
નેટના યુગમાં આંગળીના ટેરવે માહિતીઓ ઉપલબ્ધ હોય છે ત્યારે આજે પણ લોકો શુકન માટે દિવાળી સાહિત્ય જેવું કે, કેલેન્ડર, ડટ્ટા, દિવાળી રોજમેળ, વકીલ ડાયરી, લાલપેન સહિત ઓફિસ સ્ટેશનરીની શુકનવંતી ખરીદીઓ કરી રહ્યા છે. બજારમાં દિવાળી સાહિત્યનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં લોકોની ભીડ જામી છે. દિવાળીના સાહિત્યના વેચાણમાં તેજી જોવા મળી રહી છે.
આજે પણ દાદા કેલેન્ડર જોવે છે
કિશનભાઈએ જણાવ્યું હતું કે મારા દાદા આજે પણ કેલેન્ડરના તારીખના પાના જુએ છે અને રોજ તારીખ બદલાઈ એટલે પાનું કાઢી નાખે છે. પંચાંગ વાંચવાની પણ આદત છે. મોબાઈલમાં લખવાની યાદી અને હાથેથી લખવાની યાદીમાં ઘણો તફાવત છે. એટલે દિવાળી વખતે ચોપડાની ખરીદી અને પૂજન કરીએ છીએ.
દિવાળીના સાહિત્યમાં ભાવ વધારો નહીં
દિવાળી સાહિત્યમાં જે ગત વર્ષે ભાવો હતા તેજ ભાવ અત્યારે છે. આ વખતે ભાવ વધારો નોંધાયો નથી.
પરંપરા જાળવી રાખવી જોઈએ
રમેશભાઈ નામના આધેડે જણાવ્યું હતું કે આથી પણ વધુ આધુનિક યુગ આવે તેની સાથે કદમ મીલાવાય પરંતુ જે પરંપરા છે તેને જાળવી રાખવી જોઈએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.