પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા બ્રહ્મ સમાજના આગેવાન અશોકભાઈ છોટાલાલ થાનકીએ સમાજમાં નવી પહેલ કરી છે. અને શુભ પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ કરવાને બદલે સાદાઈથી શુભ પ્રસંગ કરવા પર ભાર મુક્યો છે. અશોકભાઈ સુખી સંપન્ન પરિવાર ધરાવે છે આમછતાં તેણે પોતાના પુત્ર વિવાનની યજ્ઞોપવિત પ્રસંગ સાદાઈથી પોતાના ઘરે ઉજવ્યો હતો અને આર્યસમાજની વિધિ મુજબ પંડિત દ્વારા ઘરે જ આ પ્રસંગ ઉજવીને ખોટા ખર્ચાને તિલ્લાંજલી આપી છે.
અશોકભાઈ સહિત તેના પરિવારે જણાવ્યું હતુંકે, ખોટા ખર્ચ કરી સમાજમાં દેખાડો કરવાને બદલે સાદાઈ પૂર્વક શુભ પ્રસંગ ઉજવી શકાય છે. યજ્ઞોપવિત પ્રસંગે મોસાળને પણ પહેરામણી, ભેટનો રિવાજ છે ત્યારે આ પરિવારે મોસાળ પક્ષને આમંત્રણ આપી માત્ર આશીર્વાદ મેળવી એકપણ રૂપિયાની ભેટ સોગાદ લેવાનું ટાળી સમાજને દાખલો બેસાડ્યો છે. આ તકે ઉપસ્થિત મહેમાનોએ આ ચીલાને સ્વીકારી બિરદાવ્યો હતો.
સંબંધો જ મહત્વના હોય છે
અશોકભાઈ સહિત તેના પરિવારે જણાવ્યું હતુંકે, સમાજમાં શુભ પ્રસંગે પહેરામણી, કરીયાવર, ભેટ આપવાનો ચીલો છે. આવી પરંપરામા ફેરફાર લાવવો જોઈએ. સોળ સંસ્કાર પૈકી જનોઈ સંસ્કાર છે. જેમા ભારતીય વૈદિક વિધિ અને બાળકને આશીર્વાદ, પાઠ પૂજાને મહત્વ આપવું જોઈએ. મામેરૂ, ચાંદલો, ભેટને મહત્વ ન આપવું જોઈએ. પહેરામણી, ભેટ કરતા કુટુંબ, મામા મોસળના મજબૂત સંબંધો મહત્વના છે. જે ખરા સમયે કામ આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.