પોરબંદર જીલ્લામાં ચોરીના બનાવો કૂદકે અને ભૂસકે વધી રહ્યા હોય તેમ છાશવારે કોઇને કોઇ ચોરીની ઘટનાઓ પોલીસને ચોપડે નોંધાતી રહે છે તેમાં પણ ગઇકાલે કુતિયાણા શહેરમાં અનાજના ગોડાઉનમાંથી સવા લાખ રૂપિયની કિંમતના અનાજની ચોરીની ફરિયાદ નોંધાતા શહેરભરમાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જીલ્લાના કુતિયાણા શહેરમાં એમ. જી. રોડ પર સોની મહાજન સમાજની બાજુમાં ભરતભાઇ નાગાજણભાઇ ખુંટીના અનાજના ગોડાઉનમાં ગઇકાલે રાત્રીના સમયે કોઇ અજાણ્યો ચોર ગોડાઉનના દરવાજાનો નકુચો તથા લોખંડનું તાળુ લોખંડના સળીયાથી તોડીને અંદર ઘૂસ્યો હતો અને ગોડાઉનમાંથી 40 ગુણી જુવાર કિંમત રૂ. 90,000, 10 ગુણી ચણા કિંમત રૂ. 22,500 અને સીંગતેલના ડબ્બા નંગ 5 કિંમત રૂ. 12800 મળી કુલ રૂ. 1,25,300 નો મુદામાલ ચોરી કરી ગયા હતા. આ અંગે ભરતભાઇ ખુંટીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ કુતિયાણા પોલીસ સ્ટેશનના PSI એ. એ. મકવાણાએ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.