રજુઆત:કર્મચારીઓ પરીક્ષા આપવા જતાં અર્બન ઇ ધરા કેન્દ્ર 7 દિ' બંધ રહેશે

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર અરજી આપવા અરજદારોને 3 માળ સુધી જવું પડશે, રજુઆત કરાઈ

પોરબંદર સીટી સર્વે સુપ્રીટેન્ડન્ટે કચેરીના કર્મચારીઓ ખાતાકીય પરિક્ષા આપવા ગયા હોવાથી તેનું અર્બન ઈ ધરા કેન્દ્ર અઠવાડીયા સુધી બંધ રહેશે તેવી નોટીસ કચેરી બહાર ચિપકાવી દેવામાં આવતા અરજદારોમાં રોષ જોવા મળ્યો છે અને આ અંગે કલેકટરને પણ રજૂઆત કરવામાં આવી છે.

પોરબંદરમાં જિલ્લા સેવા સદન 1 ખાતે આવેલી સીટી સર્વેની કચેરીમાં સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટનો હુકમ જણાવી નોટીશ ચિપકાવી દેવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે તા. 1/1 થી તા. 7/1 સુધી કચેરીના તમામ કર્મચારી ખાતાકીય પરીક્ષામાં ગયા હોવાથી તે સમય દરમ્યાન અર્બન ઇ-ધરા કેન્દ્ર બંધ રહેશે. તેમજ કામગીરી અન્વયે સુપરીટેન્ડન્ટ કચેરી- બ્લોક નં. 313 ત્રીજા માળનો સંપર્ક કરવા પણ જણાવાયું છે. જેથી અરજદારોને ધક્કો થયો હતો. અરજદારોએ રોષભેર જણાવ્યું હતું કે તેઓ પ્રોપર્ટીકાર્ડ કઢાવવા ઉપરાંત અરજી અને અન્ય માહિતી માટે આવ્યા હતા પરંતુ કચેરી બંધ હોવાથી તેઓને ધક્કો થયો છે.

સ્ટાફ પરીક્ષા આપવા ગયો હોય તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ જેથી અરજદારો ને પરેશાની ભોગવવી ન પડે પરંતુ સરકારી કચેરી અધિકારીઓની ખાનગી મિલકત હોય તેમ નોટીસ મૂકી તાળા લગાવી દેવાયા છે જેથી એક અઠવાડિયા સુધી પ્રોપર્ટી કાર્ડ કાઢવાની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થશે. મહત્વની વાત એ છે કે અરજી દાખલ કરવા ગ્રાઉન્ડ ફ્લોરને બદલે ત્રીજા માળ સુધી અરજદારોને જવું પડશે જેથી સિનિયર સિટીઝનોને ભારે મુશ્કેલી વેઠવી પડશે. અધિકારીઓ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવી તેવુ આશ્ચર્ય અરજદારોમા છવાયું હતું. આ અગે કલેકટર ને પણ રજૂઆત કરવામાં આવી છે અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...