પોરબંદરમાં દુલીપ ક્રિકેટ સ્કૂલમાં 150 યુવાનો પે એન્ડ પ્લે યોજના અંતર્ગત ક્રિકેટ કોચિંગ માટે આવે છે પરંતુ અહીં પ્રેક્ટિસ માટે નેટ તૂટેલી હાલતમાં છે અને ટર્ફ વિકેટ બિસ્માર બની છે. જાળવણીના અભાવે સ્કૂલમાં પૂરતી સુવિધાનો અભાવ હોવાથી ખેલાડીઓને મુશ્કેલી વેઠવી પડે છે.
પોરબંદરમાં ક્રિકેટ ક્ષેત્રે ખેલાડીઓને સુવિધા મળી રહે અને ખેલાડીઓ અહીં પ્રેક્ટિસ કરીને ક્રિકેટ ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરે તે હેતુથી પોરબંદરના રાજા નટવરસિંહજીએ દુલીપ ક્રિકેટ સ્કૂલ ભેટ આપી હતી. આ સ્કૂલ ખાતે ક્રિકેટ ક્ષેત્રે યુવાનો પોતાની કારકિર્દી ઘડી શકે તે માટે નજીકમાં જ નટવરસિંહજી ક્રિકેટ હોસ્ટેલ પણ છે. આ હોસ્ટેલ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા હતી અને યુવાનો હોસ્ટેલમાં રહીને અભ્યાસ સાથે ક્રિકેટની પેક્ટિસ કરતા હતા. અનેક યુવાનો અહીંથી તાલીમ પામીને ક્રિકેટ ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ જાળવણીના અભાવે હાલ આ સ્કૂલમા સુવિધાનો અભાવ જોવા મળે છે.
ગુજરાત સરકાર રમત ગમત વિભાગની પે એન્ડ પ્લે યોજના અંતર્ગત હાલ ડિસ્ટ્રીકટ રૂરલ ક્રિકેટ એસોસીએશન પોરબંદર સંચાલિત ધી દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ કોચિંગ સેન્ટર દ્વારા અહીં 4 જેટલા કોચ યુવાનોને ક્રિકેટની તાલીમ આપી રહયા છે અને પે એન્ડ પ્લે યોજના હેઠળ 150 જેટલા યુવા ખેલાડી ક્રિકેટ કોચિંગ માટે જોડાયા છે. પરંતુ આ સ્કૂલ ખાતે જાળવણીના અભાવે પ્રેક્ટિસ માટેની જારીઓ તૂટેલી હાલતમાં છે અને ટર્ફ વિકેટ બિસ્માર બની છે. ઠેરઠેર ઘાસ ઊગી નિકડયા છે. જેથી યુવાનોને તાલીમ અને પ્રેક્ટિસ કરવામાં મુશ્કેલી પડે છે. આથી આ સ્કૂલ ખાતે પૂરતી સુવિધા આપવામાં આવે અને સમારકામ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
પે એન્ડ પ્લે અંતર્ગત કેટલા રૂપિયા ફિ ?
અહીંના સંચાલકે જણાવ્યું હતુંકે પે એન્ડ પ્લે અંતર્ગત એક યુવાનને રૂ. 500 દરમાસે ફિ ભરવાની થાય છે. જેમાંથી 40 ટકા રકમ સરકારને આપવાની હોય છે. સવાર શાંજ અહીં તાલીમ મેળવવા આવે છે.
ક્રિકેટ હોસ્ટેલ કોરોના સમયથી બંધ
નટવરસિંહજી ક્રિકેટ હોસ્ટેલ ચાલુ હતી પરંતુ કોરોના સમયથી આ હોસ્ટેલ બંધ કરી દેવામાં આવી છે. આ હોસ્ટેલ ખાતે બહારગામથી ક્રિકેટ ક્ષેત્રે આગળ વધવા માટે અનેક યુવાનો આવતા હતા પરંતુ હાલ આ હોસ્ટેલ બંધ છે જે વહેલી તકે શરૂ કરવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.