કપરી પરિસ્થિતિ:કોરોના અને પાકિસ્તાનના આતંકે માછીમારોની કમર તોડી

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે કોરોનાને લીધે ધંધામાં અડધો અડધ નુકસાની પહોંચી તો પાકિસ્તાને પોરબંદરની 8 ફીશીંગ બોટને ઉઠાવી લીધી

પોરબંદર જિલ્લામાં માછીમારીનો મુખ્ય વ્યવસાય હોય અને આ વ્યવસાય સાથે માત્ર રાજ્યભરના જ નહીં પરંતુ અન્ય રાજયના લોકો પણ આજીવીકા રોળવી રહ્યા છે. માછીમારીના ઉદ્યોગમાં અન્ય રાજયના અનેક લોકો પોરબંદર આવી રોજીરોટી કમાઇ રહ્યા છે. 25000 થી પણ વધુ લોકો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. નાની મોટી 4500 બોટ અને માછલીની વિદેશમાં નિકાસ કરતી ખાનગી કંપનીઓ સહિત લોકોને રોજીરોટી જ નહી પરંતુ દેશને વિદેશી હુંડીયામણ કમાઇને માછીમારી ઉદ્યોગ આપે છે. ત્યારે કોરોનાની કપરી પરિસ્થિતિમાં માછીમારીનો ઉદ્યોગ પાયમાલ થયો છે.

પોરબંદરમાંથી દર વર્ષે મચ્છીની ફેકટરીઓમાંથી દેશ વિદેશમાં માછલીની નિકાસ કરવામાં આવે છે. ચાઇના તેમજ યુરોપના દેશોમાં મચ્છીના કન્ટેનરની નિકાસ કરાય છે. પરંતુ કોરોનાકાળ દરમિયાન ચાઇના સહિતના દેશોમાં માછલીની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જયારે ચાઇનામાં કોરોનાએ પગપેસારો કર્યો હતો તે સમય દરમિયાન પોરબંદરના માછીમારોના માછલીના ભરેલ કન્ટેનરો ચીનમાં ફસાયા હતા ત્યારે પણ પોરબંદરના માછીમારોને કરોડોનું નુકસાન પહોંચ્યું હતું.

કોરોનાકાળમાં વિદેશમાં માછલીની નિકાસમાં ઘટાડો થયો છે અને કોરોનાની કપરી પરિસ્થિતિમાં પાકિસ્તાન મરીન સીકયુરીટી એજન્સીની નાપાક હરકતના કારણે માછીમારોની દયનીય સ્થિતિ બની છે. પોરબંદર નજીકના સમુદ્રમાં પ્રદુષણના કારણે મોટા પ્રમાણમાં બોટ માલીકોને માછલીનો જથ્થો મળતો નથી જેથી તેઓને ઉંડે સુધી દરિયામાં માછીમારી કરવા જવાની ફરજ પડી રહી છે. સીઝનના પ્રારંભ સમયે 12 થી 15 દિવસમાં એક ટ્રીપ દરમિયાન ઓછા ખર્ચે પુષ્કળ પ્રમાણમાં માછલીના જથ્થાની આવક થતી હોય છે

પણ સીઝનના પ્રારંભ સમય બાદ થોડા દિવસો પછી સમુદ્રમાં ઉંડે ઉંડે સુધી માછીમારી કરવા ખલાસીઓ જતા હોય છતાં પણ તેમને ખર્ચા પણ ન પરવડે તેટલા પ્રમાણમાં માછલીના જથ્થાની આવક થતી નથી. બોટ માલીકોને ખલાસીઓના પગારના ખર્ચા, રાશન અને ડિઝલ સહિતના ખર્ચા પરવડતા નથી. ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા હોય અને 12 થી 15 દિવસના બદલે 20 થી 22 દિવસ સુધી દરિયામાં માછીમારી કરવી પડે છે. છતાં પણ પુરતા પ્રમાણમાં માછલીના જથ્થાની આવક થતી નથી.

જયારે ખલાસીઓ દરિયામાં ઉંડે સુધી માછીમારી કરવા જાય ત્યારે પાકિસ્તાન મરીન સીકયુરીટી એજન્સી દ્વારા ભારતીય માછીમારોને ભારતીય જળસીમામાં ઘૂસી બંધૂકના નાળચે અપહરણ કરવાના બનાવો છાસવારે બને છે. ચાલુ સીઝન દરમિયાન 13 બોટમાંથી 8 જેટલી બોટના અપહરણ પાકિસ્તાને કર્યા છે.

જેથી કોરોનાકાળ બાદ પાકિસ્તાન મરીન સીકયુરીટીના આતંકના કારણે માછીમારો પર પડયા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. એક બાજુ કોરોનાની કપરી સ્થિતિના કારણે વિદેશમાં માછલીની નિકાસ ઓછી થતી હોય તો બીજી તરફ દરિયામાં ઉંડે સુધી માછીમારી કરવા જવાની ફરજ પડતી હોવાથી ડિઝલના ખર્ચા અને બોટોના અપહરણ થતા હોવાથી માછીમારોની દયનીય સ્થિતિ બની છે.

બોટ અને માછીમારો પાકિસ્તાનમાં સબડે છે ?
અગાઉના વર્ષમાં પાકિસ્તાન મરીન સીકયુરીટીએ 22 જેટલી બોટોને બાનમાં લઇ ખલાસીઓના અપહરણ કરી પાકિસ્તાનની જેલમાં બંધક બનાવ્યા છે તો ચાલુ વર્ષે પોરબંદરની 8 બોટ અને 42 માછીમારોના અપહરણ કર્યા છે. હાલ પાકિસ્તાનની જેલમાં 459 જેટલા ભારતીય માછીમારો અને 1200 થી વધુ ભારતીય બોટ પાકિસ્તાનના કબજામાં છે.

અન્ય સમાચારો પણ છે...