લોકોમાં રોષ:પક્ષી અભયારણ્યથી વોકિંગ પ્લાઝા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય રોડ બનાવી દેવાયા પરંતુ આ એક જ રોડનું કામ શરૂ થયું નહીં

પોરબંદરમાં શહેર મધ્યે આવેલા પક્ષી અભયારણ્યથી છાંયાચોકી તરફ આવેલા વોકિંગ પ્લાઝા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.આ જ રસ્તા પર બે કોલેજ આવેલી હોવાથી વિદ્યાર્થીઓનો આ રોડ પર ઘસારો વધુ જોવા મળે છે.આથી વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને આ રોડ પરથી વાહન લઈને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આથી પોરબંદર કોંગ્રેસ દ્વારા પાલિકાના તંત્રને રજુઆત કરી જણાવ્યું છે કે, આ રસ્તો અંત્યત બિસ્માર હાલતમાં છે.ત્યાં ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય વધ્યું છે. તેથી ઝેરી જીવ જંતુનો ઉપદ્રવ વધતા સ્થાનિકો હાલાકી વેઠી રહયા છે. આ રોડ પર ખાંડા અને કાંકરાને લીધે વાહનો સ્લીપ થાય છે.બીજી બાજુ ચોમાસું નજીક આવી રહ્યું છે આ રોડનું સમારકામ તાત્કાલિક ધોરણે નહીં કરવામાં આવે તો અકસ્માતોનું પ્રમાણ વધશે.

પાલિકા દ્વારા પક્ષી અભયારણ્યથી ગોઢાણીયા કોલેજ સુધીનો રસ્તો, હનુમાન મંદિર વાળો રસ્તો,મોઢા કોલેજનો રસ્તો, ભાજપ કાર્યાલય સુધી જવાનો રસ્તો સિમેન્ટથી મઢી દેવામાં આવ્યો છે,પણ પક્ષી અભયારણ્યથી છાંયા વોકિંગ પ્લાઝા સુધીનો રસ્તો સિમેન્ટથી મઢવામાં આવ્યો નથી જેથી આ રસ્તો બિસ્માર હાલતમાં જ છે.

આથી આ રસ્તો પણ સિમેન્ટ રોડથી મઢવા મંજુર થયેલ હોવા છતાં કામગીરી અટકી પડી છે જેથી પાલિકાનું તંત્ર તાત્કાલિક ધોરણે આ રોડની કામગીરી શરૂ કરાવે તેવી કોંગ્રેસે માંગ કરી છે. અત્રે નોંધનીય છેકે, શહેરમાં અન્ય જગ્યાએ રોડ બનાવી દેવાયા પરંતુ આ રોડનું કામ શરૂ ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...