હવામાન વિભાગની આગાહીને પગલે ટેકાના ભાવે ચણાની ખરીદી 2 દિવસ બંધ રહી હતી અને બુધવારે 25 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ ફરીથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે ગઈકાલથી વાતાવરણ ચોખ્ખું રહેતા ખરીદી ચાલુ રહી હતી. વેપારીઓ અને ખેડૂતોને માલ ઢાંકીને લાવવા સહિત યાર્ડ સંચાલકો દ્વારા સૂચના આપાઈ છે.
પોરબંદર જિલ્લામાં ખાસકરીને ઘેડ વિસ્તારમાં ચણાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે. ટેકાના ભાવે ચણાની ખરીદીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પોરબંદર તાલુકા માંથી 4583 ખેડૂતો, રાણાવાવ તાલુકાના 1197 અને કુતિયાણા તાલુકા માંથી 5868 ખેડૂતોએ એમ જિલ્લામાં કુલ 11648 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ટેકાના ભાવે ચણાની ખરીદી તા. 10 માર્ચના રોજ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોરબંદર અને રાણાવાવ તાલુકા માટે માર્કેટિંગ યાર્ડ ખાતે અને કુતિયાણા ખાતે 2 સ્થળે ખરીદી કરવામાં આવે છે.
હવામાન વિભાગ દ્વારા તા. 13 માર્ચથી તા. 17 માર્ચ એમ 5 દિવસ સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી હળવો- કમોસમી વરસાદ થવાની આગાહી કરાઈ છે. જે આગાહી મુજબ આગામી નજીકના દીવસો દરમ્યાન પોરબંદર જિલ્લામાં વરસાદી ઝાંપટાની આગાહી કરાઈ છે. જેથી પોરબંદર જિલ્લામાં તકેદારીના ભાગ રૂપે ખેડુતોએ કાળજી રાખવા જણાવાયું છે.
જેને પગલે ગત સોમવાર અને મંગળવારે ચણાની ખરીદી માટે ખેડૂતોને બોલાવવામાં આવ્યા ન હતા અને ખરીદી બંધ રાખવામાં આવી હતી, બાદ બુધવારે 25 ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવ્યા હતા પરંતુ સવારથી જ વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. હવામાન ખાતાની આગાહીને પગલે માર્કેટિંગ યાર્ડના સંચાલકો દ્વારા પણ વેપારીઓ અને ખેડૂતોને સૂચના આપવામાં આવી છે જેમાં માલ લાવતી વખતે ઢાંકીને લાવવો તેમજ યાર્ડમાં ઢગલો કરવો નહિ અને યાર્ડ ખાતે હોલ ખાતે માલ નો ઢગલો કરવો જેથી કમોસમી વરસાદ અથવા પવનના કારણે માલને નુકશાની ન જાય તે રીતે માલ રાખવા સૂચના આપવામાં આવી છે. જોકે, ગઇકાલે વાતાવરણ ચોખ્ખું રહેતા ખરીદી ચાલુ રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.