નિર્ણય:કોરોનાના પગલે બંધ કરાયેલ પોરબંદર - મુંબઈ વચ્ચેની ટ્રેન 17 મહિના બાદ ફરીથી ટ્રેક પર દોડશે

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આગામી તા. 18 થી સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કરાયો

પોરબંદરમાં વર્ષ 2020 માં કોરોનાના પગલે બંધ કરી દેવાયેલી પોરબંદર-મુંબઇ વચ્ચેની ટ્રેન લગભગ 17 મહિના સુધી બંધ રખાયા બાદ ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પોરબંદરમાં વર્ષ 2020 ના માર્ચ મહિનામાં કોરોના મહામારીના પગલે રેલ્વે સ્ટેશન પરથી ઉપડતી અને આવતી તમામ ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં બંધ કરી દેવાયેલી ઘણી ખરી ટ્રેનો આ 17 મહિનાના સમયગાળામાં ફરીથી શરૂ કરવામાં આવી હતી પરંતુ પોરબંદર-મુંબઇ વચ્ચે દોડતી ડેઇલી ટ્રેન કોઇપણ કારણોસર શરૂ કરી શકાય ન હતી જેને લીધે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

આ અંગે અનેક રજૂઆતો પણ કરવામાં આવી હતી અને 17 મહિનાના લાંબા સમયગાળા બાદ રેલ્વે વિભાગે પોરબંદર મુંબઇ વચ્ચે ફરીથી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કરતા મુસાફરોને નિરાંત થઇ છે. રેલ્વે વિભાગ દ્વારા જાહેર કરાયું છે કે આગામી તારીખ 18 ઓગસ્ટ, 2021 થી ટ્રેન નંબર 09036 પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ પોરબંદરથી દરરોજ 21.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 19 ઓગસ્ટ, 2021 થી આગળની સૂચના સુધી ચાલશે.

એ જ રીતે, ટ્રેન નંબર 09035 મુંબઈ સેન્ટ્રલ - પોરબંદર સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલથી દરરોજ સવારે 09.20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 05.30 વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેન 18 મી ઓગસ્ટ, 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. ટ્રેન નંબર 09035/09036 માટે બુકિંગ 15 ઓગસ્ટ, 2021 થી નામિત PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો સંપૂર્ણપણે આરક્ષિત ટ્રેનો તરીકે ચાલશે. આ વિશેષ ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...