માંગ:જિલ્લાના માછીમારોની દયનીય સ્થિતી

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર કોંગ્રેસ અગ્રણીએ માછીમારોને પ્રાથિમક સુવિધાઓ આપવા કરી માંગ
  • બંદર વિસ્તારમાં ગંદકીના ગંજ, લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય, આરોગ્ય કેન્દ્રનો અભાવ

ભારત સરકારને દર વર્ષે કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ રળી આપતા માછીમારોને તેમના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ન મળતા તેઓની સ્થિતિ દયનીય બની રહી છે. સરકારમાં અનેક રજુઆતો કરવા છતાં માછીમારોને આ પાયાની સુવિધાઓ આપવામાં પણ સરકાર ઉદાસીનતા દાખવી રહી છે. ત્યારે કોંગ્રેસ અગ્રણીએ આ તમામ પ્રશ્નો અંગે સરકારમાં રજુઆત કરી છે. પોરબંદરના બંદર ઉપર સરકાર દ્વારા સ્ટ્રીટ લાઇન, શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાઓનો વર્ષોથી અભાવ જોવા મળી રહ્યો છે.

અનેક સરકારો બદલી ગઇ હોવા છતાં આ માછીમારોની હાલત જેમની તેમ જ છે. આ અંગે કોંગ્રેસના અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયા દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે કે શહેરની આર્થિક જીવાદોરી સમાન માછીમારી ઉદ્યોગ દર વર્ષે સરકારને કરોડો રૂપિયાનું હુંડીયામણ કમાઇને આપે છે પરંતુ આ માછીમારોને પાયાની સુવિધા પણ સરકાર આપી શકતી નથી. માછીમારોના બંદર વિસ્તારમાં તથા ફીશરીઝ હાર્બર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે રાત્રીના સમયે અંધારપટ્ટ છવાઇ જાય છે અને માછીમારોને અવર જવરમાં તકલીફ પડતી હોય છે.

ઉપરાંત હાઇમસ ટાવરો બંધ હાલતમાં પડયા છે અને જૂના બંદર વિસ્તારમાં ફાયર સેફટીની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે અનેક વખત આગ લાગવાના બનાવો બનતા ફાયર બ્રિગેડના તંત્રને સ્થળ પર પહોંવામાં મુશ્કેલીઓ પડી રહી છે અને કરોડો રૂપિયાની બોટો બળીને ખાખ થઇ જાય છે. ઉપરાંત બંદર વિસ્તારમાં શૌચાલયોનો પણ અભાવ છે જેથી લોકોને ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડે છે અને બંદર વિસ્તારમાં ગંદગી ખદબદી રહી છે જેના કારણે લોકોમાં રોગચાળો ફેલાવાનો સતત ભય ઝળુંબતો રહે છે. પ્રાથમિક સારવાર માટે આરોગ્ય કેન્દ્રનો પણ અભાવ છે. આ તમામ પ્રશ્નોને લઇને રામદેવભાઇ મોઢવાડિયાએ સરકારશ્રીમાં રજુઆત કરી અને સત્વરે તેનો નિકાલ કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...