નોટિસથી ફફડાટ:એસીસી સિમેન્ટની જમીનમાં આવેલ ક્વાર્ટરોમાં રહેતા લોકોને હક્ક હિસ્સો મળ્યા નથી, ભારે રોષ

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટમાં લડત ચાલુ છે, 1 અબજ લેણી રકમ બાકી છે, કબ્જો ખાલી કરવાની નોટિસથી ફફડાટ

પોરબંદરની એસીસી સિમેન્ટની જમીનમાં આવેલ ક્વાર્ટરોમાં રહેતા લોકોને હક્ક હિસ્સો મળ્યા નથી, હાઇકોર્ટમાં લડત ચાલુ છે ત્યારે સિટીસર્વે કચેરી દ્વારા ક્વાર્ટર ધારકોને કબ્જો ખાલી કરવાની નોટિશ મળતા ફફડાટ વ્યાપી ગયો છે. કામદારો અને તેના વારસદારોએ બળાપો ઠાલવ્યો હતો.

પોરબંદરમાં એસીસી સિમેન્ટ ફેકટરી 1998મા બંધ થઈ હતી. એસીસી જમીન પર હાલ 200થી વધુ ક્વાર્ટર આવેલા છે. આ ફેકટરી બંધ થઈ હતી, તે સમયે 417 કામદારો હતા. ક્વાર્ટર ધારકોએ જણાવ્યું હતું કે, 417 કામદારો હક્ક હિસ્સા માટે લડે છે.

હાઇકોર્ટમાં કેસ ચાલુ છે. 417 માંથી 180 કામદાર મૃત્યુ પામ્યા છે. કામદારોને હક હિસ્સો, ગ્રેચ્યુઇટી, બેકારી વળતર સહિત કુલ 1 અબજ રૂપિયા ની લેણી રકમ થાય છે. કામદારો ને ક્વાર્ટર ફાળવવામાં આવ્યા હતા તેઓએ પેશકદમી કરી નથી. કંપનીએ એલોટમેન્ટ લેટર આપેલા છે. 2005મા 200 એકર જમીન ખાલસા કરી સરકારશ્રી હસ્તક આવી છે.

ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે જેમાં ક્વાર્ટર ધારકોએ સરકારની મિલકત ઉપર અનધિકૃત રીતે કબજો ધારણ કરેલ હોય, જેથી દિન 7માં કબ્જો ખાલી કરી દેવો અથવા કચેરીએ કવાર્ટરને લગતા લેખિત જવાબ સાથે આધાર પુરાવાઓ રજૂ કરવા. અન્યથા લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવા જણાવાયું છે.

ક્વાર્ટર ધારકોએ જણાવ્યું હતું કે, કામદારો તેમજ તેમના વારસદારો પાસે પૂરતા પુરાવા છે. આ નોટિશથી કેટલાક ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને મંગળવારે રાત્રે મિટિંગ યોજવાનું આયોજન કર્યાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...