પોરબંદરમા પોસ્ટ ઓફિસ ખાતે આવેલ પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે તા. 12 મે 2022થી કામગીરી ટલ્લે ચડી છે. મોડમ ખરાબ થતા નેટ કનેક્ટ ન થતા કામગીરી થઈ શકતી નથી જેથી અનેક અરજદારોને હાલાકી પડી રહી છે.
પોરબંદરમાં પાસપોર્ટ અંગેની કામગીરી માટે અરજદારોને રાજકોટ, અમદાવાદ સુધીના ધક્કા ખાવા પડતા હતા. પોરબંદર જિલ્લાના નાગરિકોને નવા પાસપોર્ટ, પાસપોર્ટ રીન્યુ સહિતની કામગીરી માટે પોરબંદરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. આ કેન્દ્ર ખાતે બાળકથી માંડીને મોટી ઉંમરના નાગરિકોના નવા પાસપોર્ટ, પાસપોર્ટ રીન્યુ સહિતની નિયમ મુજબની કામગીરી થાય છે. તત્કાલ પાસપોર્ટ માટેની પ્રક્રિયા અહીં થતી નથી જેથી રાજકોટ જવું પડે છે.
પોરબંદર ખાતે તત્કાલ પાસપોર્ટ સિવાયની પાસપોર્ટ પ્રક્રિયા નિયમ મુજબ થતા પોરબંદર જિલ્લાના લોકોને હાશકારો થયો હતો પરંતુ આ પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે ગત તા. 12/5 ના રોજ નેટ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ હતી. જેથી પાસપોર્ટ પ્રક્રિયા થઈ શકી ન હતી.
આ અંગે BSNL ઓથોરિટીને જાણ કરતા તેઓની ટીમ દ્વારા ચેક કરી મોડમ ખરાબ થયાનું સામે આવ્યું હતું. મોડમ ખરાબ થતા તા. 12/5/2022 થી અત્યાર સુધી નેટ બંધ હોવાના કારણે પાસપોર્ટ પ્રક્રિયા થઈ શકતી ન હોવાથી અનેક અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે અને પાસપોર્ટ પ્રક્રિયા માટે હાલાકી વેઠી રહ્યાં છે.
અરજદારોને મળેલ જવાબ: રાજકોટ, જામનગર, જૂનાગઢમાં કામગીરી ચાલુ છે ત્યાં જઇ શકો છો
હાલ મોડમ ખરાબ હોવાને કારણે તા. 12/5 થી પાસપોર્ટ પ્રક્રિયા બંધ થઈ છે. અરજદારો એપોઇન્ટમેન્ટ લઈને આવતા હતા. જેથી એ દિવસે આવતા અરજદારોને સ્ટાફના ફોન નંબર આપવામાં આવે છે અને ફોન કરીને આવવું અને અઠવાડિયા બાદ આવવું અથવા રાજકોટ, જામનગર જૂનાગઢમાં કામગીરી ચાલુ છે ત્યાં પણ જઈ શકો છો તેવા જવાબો મળે છે તેવું અરજદારે જણાવ્યું હતું.
પોસ્ટ ખાતે દરરોજ 40 અરજદારો આવે છે
પોરબંદરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે આવેલ પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે રજાના દિવસો બાદ કરતા રોજના 40 જેટલા અરજદારો પાસપોર્ટ કામગીરી માટે આવતા હોવાનું જણાવ્યું હતું.
નવું મોડમ આવ્યું છે, ચાલુ થશે તો અરજદારોને બોલાવાશે: સંચાલક
પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતેના સંચાલકોએ જણાવ્યું હતુંકે, મોડમનો ઇસ્યુ છે. વિદેશ મંત્રાલય સાથે એક ખાનગી કંપનીનું ટાઈપ છે. કંપની આટલા દિવસ સુધી નવુ મોડમ મોકલતી ન હતી. હાલ નવું મોડમ આવ્યું છે. કાલે બુધવારે એન્જીનીયર આવશે. અને મોડમ ફિટ કરશે. જો ચાલુ થશે તો પરમદિવસથી અરજદારોને એપોઇન્ટમેન્ટથી બોલાવવામાં આવશે.
ફોલ્ટ શોધવામાં અર્થિંગ નવું કરાવ્યું
તા. 12/5થી પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે નેટ કનેક્ટિવિટી નો પ્રોબ્લેમ થતા કામગીરી થઈ શકતી ન હતી જેથી BSNLને જાણ કરી હતી. સેન્ટ્રલ ટીમ આવી હતી અને ચેક કરતા અરથીંગ સમસ્યા હોવાનું જણાતા આ ફોલ્ટ શોધવામાં અરથીંગ નવું કરાવ્યું છે. બાદ ખબર પડી કે મોડમ ખરાબ થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.