બંદર વિસ્તારમાં આવેલ જુની જીએમબી કચેરી આવારા તત્વોનો અડ્ડો બની છે. અનેક લોકો અહીં દેશીદારૂ પીવા આવે છે. દેશીદારૂની ખાલી થયેલ કોથળીઓ ઉડે છે જેથી પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તાજેતરમાં બોટાદ જિલ્લામાં થયેલ લઠ્ઠાકાંડને લઈને રાજ્યભરમાં ઘેરા પડધા પડયા છે. 42 લોકોના મોત અને 89 લોકો હોસ્પિટલમાં દાખલ છે. દારૂની બદી અટકાવવા પોરબંદર પોલીસે કાર્યવાહી કડક બનાવવી જોઈએ.
બંદર વિસ્તારમાં આવેલ જૂની જીએમબી કચેરી અસામાજિક તત્વોનો અડ્ડો બની છે. હાલ આ કચેરી બંધ છે. અહીંના સ્થાનિક સ્વજન નાગરિકોએ જણાવ્યું હતુંકે, બંદર વિસ્તારમાં દેશી દારૂનું વ્યાપક વેચાણ થાય છે. અનેક લોકો દારૂની ટેવ ધરાવે છે. સવાર થી જ દારૂનો વેપલો શરૂ થાય છે. અને દારૂડિયાઓ આ જીએમબી કચેરીમા ગેઇટ ખોલી અંદર પહોંચી દેશીદારૂ પીવે છે અને ખાલી કોથળીઓ કચેરીના પટાંગણના ભાગમાં ફેંકીને રવાના થાય છે.
અહીં અનેક કોથળીઓ ફેલાયેલ છે. બંદર વિસ્તારમાં પણ અનેક દારૂની કોથળીઓ ઉડે છે. ત્યારે આ વિસ્તારમાંથી દારૂની બદી દૂર કરવા પોલીસે કડક પગલા લઈ સઘન પેટ્રોલિંગ હાથ ધરવું જોઈએ તેવી માંગ ઉઠી છે. લઠ્ઠાકાંડની ઘટનાના પડધા રાજ્યમાં પડયા છે ત્યારે ગાંધીભુમી પોરબંદરમાં આવી કાલીમાં ન લાગે તે માટે પોલીસ દ્વારા બુટલેગરો સામે સખત કાર્યવાહી કરી દારૂનું દુષણ ડામવા ઝુંબેશ ચલાવવી જોઈએ તે જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.