વિવાદ:પાલિકાએ ટેન્ડર કર્યા વગર જગ્યા ભાડે આપી, પાર્ટીપ્લોટના આનંદમેળાનો વિવાદ વકર્યો

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવાદ થતાં પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા કરી, અરજીથી ભાડે લેનાર પાર્ટીનો પ્લોટ રદ કર્યો
  • મામલો કોર્ટ સુધી પહોંચ્યો, પાલિકા સામે કોર્ટમાં દાવો દાખલ થયો

પાર્ટીપ્લોટના આનંદમેળાનો વિવાદ વકર્યો છે. પાલિકાએ ટેન્ડર કર્યા વગર જગ્યા ભાડે આપી દેતા વિવાદ થતા પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા કરી છે અને લેખિત અરજીથી ભાડે લેનાર પાર્ટીનો પ્લોટ રદ કરી દેતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. પાલિકા સામે કોર્ટમાં દાવો દાખલ થયો છે.

જન્માષ્ટમીના લોકમેળાના આયોજનમાં વહીવટ પારદર્શક થાય તે જરૂરી બન્યું છે પરંતુ પોરબંદરમાં પાલિકા આયોજિત લોકમેળામાં પાર્ટીપ્લોટ ખાતે થતા આનંદમેળાનું ગ્રાઉન્ડ પાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર રાજુ શર્મા નામના વ્યક્તિને રૂ. 5.92 લાખમાં ભાડે આપી દીધું હતું. અને રાજુએ એડવાન્સ રૂપિયા ભરી દીધા હતા જેની પહોંચ પણ પાલિકા દ્વારા આપવામાં આવી છે. પાર્ટીપ્લોટનું ગ્રાઉન્ડ ભાડે મળતા રાજુએ આનંદમેળાની તૈયારી કરી હતી અને કટલેરી સ્ટોલ, ચકડોળ સહિતના સ્ટોલ માટે જાહેરાત બનાવી સોશ્યલ મીડિયામાં મૂકી હતી.

ટેન્ડર વગર પ્લોટ ભાડે આપી દેવાની જાણ થતા જ લોકરોષ ભભૂકી ઉઠ્યો હતો અને વિવાદ સર્જાતા આખરે પાલિકા દ્વારા રાજુને ભાડે આપેલ પાર્ટીપ્લોટ રદ કરી પાર્ટીપ્લોટ માટે ટેન્ડર પ્રક્રિયા કરી વર્તમાન પત્રમાં જાહેરાત આપવામાં આવી છે. રાજુએ એડવાન્સ રૂપિયા ચૂકવીને આ પ્લોટ ભાડે રાખ્યા બાદ હવે પ્લોટ રદ કરતા આ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે અને રાજુએ વકીલ મારફત કોર્ટમાં પાલિકા સામે દાવો દાખલ કર્યો છે.

શું કહે છે વકીલ?
રાજુના વકીલ એમ.જી. શીંગરખિયા અને નિલેશ જોશીએ જણાવ્યું છેકે, પાર્ટીપ્લોટ વાળું ગ્રાઉન્ડ રાજુ ઓમકારનાથ શર્માને પાલિકાએ રૂ. 5.92 લાખ એડવાન્સ લઈને પહોંચ આપીને તા. 4 થી તા. 28/8 એમ 25 દિવસ ભાડે આપેલ છે જેથી રાજુએ આનંદમેળા માટે 10 ટ્રક માલ અને 100થી વધુ માણસો બોલાવી લીધા છે. કુલ રૂ.16 લાખનો ખર્ચ કરેલ છે અને જિલ્લા કલેકટર પાસેથી જરૂરી પરવાનગી મેળવેલ છે. રાજુને ભાડે આપેલ પ્લોટ પાલિકાએ રદ કરતા પાલિકા સામે કોર્ટમાં દાવો દાખલ કરેલ છે અને તેની સુનવણી તા. 5/8ના રોજ છે.

કોર્ટમાં દાવા અંગેની નોટીસ મળી નથી
પાર્ટીપ્લોટ ભાડે માટે જેતે વ્યક્તિએ લેખિતમાં અરજી કરી રૂપિયા જમા કરાવ્યા હતા. લોકોની માંગણી આવતા જૂની પ્રક્રિયા રદ કરી રૂપિયા પરત આપવા જાણ કરી પાલિકાએ જાહેરાત કરી છે. ન્યાયિક પ્રક્રિયાથી ભાવો ખોલવામાં આવશે. પાલિકાને કોર્ટના દાવા અંગેની નોટિસ મળી નથી. પાર્ટીપ્લોટ ભાડે માટે ભાવ સ્વીકારવાનું ચાલુ છે. - આર.સી.દવે, ચીફ ઓફિસર, પાલિકા, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...