સમસ્યા:પોરબંદરની ચોપાટીનો મુખ્ય પ્રવેશદ્વાર અને પિલોર અત્યંત જર્જરીત હાલતમાં

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિસ્માર અવસ્થામાં ફેરવાયેલ દરવાજો કોઈનો ભોગ લે તે પહેલા તંત્ર જાગે

પોરબંદરની રમણીય ચોપાટી પોરબંદરવાસીઓ માટે હવા ખાવાનું ઉતમ સ્થળ છે. જ્યાં દરરોજ સવાર-સાંજ તન-મનની તંદુરસ્તી મેળવવા હજારો નગરજનો ફરવા અને વોકિંગ કરવા તેમજ માનસિક શાંતિ મેળવવા ઉમટી પડે છે અને બહારથી પણ હજારો પ્રવાસીઓ આ રમણીય ચોપાટી પર મજા માણવા આવે છે પરંતુ ત્યાં પ્રવેશવાનું મુખ્યદ્વાર એટલી હદે જર્જરિત છે કે તે ગમે તે ઘડીએ અચાનક પડશે તો નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ જશે. આ પ્રવેશદ્વાર ચોપાટીના પ્રવેશદ્વારને યમસદનનો પ્રવેશદ્વાર બને નહી તે માટે તંત્રને રજૂઆત કરવામાં આવી છે.

એક બાજુ પોરબંદર નગરપાલિકાનું વહીવટી તંત્ર પ્રવાસન સ્થળોના વિકાસના ગાણાં ગાય છે. પરંતુ એ જ નિંભર તંત્ર નબળા વિકાસ કામો અને બેદરકારી સામે આંખ આડા કાન કરે છે ત્યારે પોરબંદર શહેરની રમણીય ચોપાટીના વિકાસ માટે પાંચ વર્ષમાં વપરાયેલી 25 કરોડની રકમ પાણીમાં ગઈ હોવાનો આક્ષેપ કરીને તે અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

જેમાં પોરબંદરના સિનીયર આગેવાન રામદેભાઈ મોઢવાડિયા એ તંત્રની પોલ ખોલતા જણાવ્યું છે કે શહેરની રમણીય ચોપાટીને વિકસાવવા પાછળ છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 25 કરોડ રૂપિયા જેટલી રકમ વપરાઈ હોવા છતાં ખાસ કોઈ વિકાસ જોવા મળતો નથી. અહીં અનેકવિધ સમસ્યા જોવા મળી રહી છે તેથી તેનો હલ કરવા માટે તંત્રએ પણ ગંભીર બનવું જોઈએ. પ્રવાસન સ્થળો પર પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવ્યા બાદ યથાવત સ્થિતિમાં રહે તે માટે જાળવણી કરવામાં આવતી નથી.

ચોપાટી પરનો મુખ્ય પ્રવેશદ્વાર જર્જરિત બની ગયો છે તેના બંને બાજુના પીલોરમાં મસમોટી તિરાડો પડી ગઈ છે. એટલુજ નહી પરંતુ છતના ભાગે સ્લેબમાંથી પોપડા ખરી ગયા છે જેના કારણે પણ પ્રવાસીઓના જીવ ઉપર જોખમ સર્જાયું છે તેના લોખંડના દરવાજા કાટ ખાઈને બેવડા વળી ગયા છે માટે અહિયાં રજાના દિવસે અને તહેવારોમાં જ્યારે હજારોની સંખ્યામાં નગરજનો અને બહારના પ્રવાસીઓ ફરવા માટે આવ્યા હોય ત્યારે જ જો કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાની સર્જાય શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...