પ્રવાસીઓ નિરાશ:ગાંધી જન્મસ્થળના નીચેના રૂમ પણ બંધ કરાયા; પહેલા અને બીજા માળના રૂમના ફોટો લગાવી પાર્ટીશન મારી દીધું

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાંધીજીના જન્મસ્થળે રૂમમાં પાર્ટિશન મારીને ત્યાંના ફોટા લગાવી દીધાં - Divya Bhaskar
ગાંધીજીના જન્મસ્થળે રૂમમાં પાર્ટિશન મારીને ત્યાંના ફોટા લગાવી દીધાં
  • વેકેશનમાં પ્રવાસીઓનો ધસારો, અનેક પ્રવાસીઓ વિલા મોએ પરત ફરે છે

ગાંધીજી જન્મસ્થળના નીચેના રૂમ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. પહેલા અને બીજા માળના રૂમના ફોટો લગાવી પાટિશન મારી દીધું છે. હાલ વેકેશનમાં પ્રવાસીઓનો ઘસારો થાય છે ત્યારે અનેક પ્રવાસીઓ નિરાશ થઈ રહ્યા છે અને વિલા મોએ પરત ફરી રહ્યા છે.

મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર ખાતે વિવિધ રાજ્યો માંથી પ્રવાસીઓ કીર્તિમંદિર ખાતે મુલાકાતે આવી રહ્યા છે. હાલ વેકેશન હોવાને કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દૂર દૂરથી પ્રવાસીઓ પોરબંદરના કીર્તિમંદિર ખાતે ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લેવા આવે છે પરંતુ હાલ આ પ્રવાસીઓ નિરાશ થઈ રહયા છે અને વિલા મોએ પરત ફરી રહ્યા છે. કારણ કે, ગાંધીજીનું જન્મ સ્થળનું બિલ્ડીંગ જર્જરિત બન્યું છે. અને સમારકામ શરૂ કરાયું નથી.

અંદાજે બે વર્ષ પહેલા આ બિલ્ડીંગ જર્જરિત થતા પ્રવાસીઓની સલામતીને ધ્યાને રાખી લાગતા વળગતા તંત્ર દ્વારા ગાંધીજીના જન્મ સ્થળના બે માળ ખાતેના રૂમોમા તાળા મારી દેવામાં આવ્યા હતા, પરંતુ પહેલા માળ સુધી જવા માટે સીડી પરથી જવા માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. પરંતુ હાલ તો પહેલા માળે જવા માટેની સીડી રૂમ પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને સીડી શરૂ થાય તે પહેલાની જગ્યા પર પાટિશન મૂકી દેવામાં આવ્યું છે તેમજ પાટિશન પર ઉપરના બે માળના રૂમોના ફોટા મૂકી દેવામાં આવ્યા છે જેથી પ્રવાસીઓ રૂબરૂ મુલાકાત લઈ શકતા નથી અને ફોટા જોઈને સંતોષ માની લેવો પડે છે અને પ્રવાસીઓ ઉપરના બન્ને માળ કેવા હશે તેની કલ્પના કરીને નિરાશ થઈ રહ્યા છે.

હાલ પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે ત્યારે પ્રવાસીઓ માત્ર ગાંધીજીના જન્મ સ્થળ ખાતે નીચેનો એક રૂમ અને રસોડાની મુલાકાત લઈ રહ્યા છે. નીચેના ભાગે આવેલ એક રૂમ ખાતે પણ તાળું લટકાવી દેવામાં આવ્યું છે. અંદાજે બે વર્ષ જેટલો સમય પ્રસાર થયા બાદ પણ લાગતા વળગતા તંત્ર દ્વારા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળનું સમારકામ શરૂ કરવામાં આવ્યું નથી જેથી પ્રવાસીઓ નિરાશ થઈ રહ્યા છે અને વિલા મોએ પરત ફરી રહ્યા છે.

વોટર કુલર લાંબા સમયથી બંધ
કીર્તિમંદિર ખાતે પીવાના પાણીની વ્યવસ્થા છે પરંતુ આ સ્થળે પાનની પિચકારીઓ તથા ગંદકી ફેલાયેલી છે. જેથી દુર્ગંધ આવે છે. જેથી કેટલાક પ્રવાસીઓ તો અહીં પાણી પીવાનું પણ ટાળી રહયા છે. આ સ્થળે પીવાના પાણીનું કુલર પણ લાંબા સમયથી બંધ છે જેથી ઠંડુ પાણી આવતું નથી. આથી કુલરનું રીપેરીંગ થાય તથા ગંદકી દૂર કરવામાં આવે તેવી પણ પ્રવાસીઓએ માંગ કરી છે.

નિરાશ પ્રવાસીઓની માંગ
દિલ્હીથી આવેલ પ્રવાસીઓએ જણાવ્યું હતુંકે, દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. મહાત્મા ગાંધીજીના જન્મ સ્મારક જોવાની આશાએ આવીએ છીએ. પરંતુ ગાંધીજીના રૂમની મુલાકાત લઈ શકતા નથી. પાટિશન મારેલ છે અને બન્ને માળના ફોટો છે. જો ફોટા જ જોવા હોય તો સોશ્યલ મીડિયામાં પણ જોઈ શકાય. રૂબરૂ મુલાકાતર બાળકોને લઈને આવીએ છીએ જેથી તેઓ પણ ગાંધીજીનું સ્મારક જોઈને ગૌરવ અનુભવી શકે. પરંતુ હાલ તો ગાંધીજીનું જન્મસ્થળ જર્જરિત હોવાથી રૂમોની રૂબરૂ મુલાકાત લઈ શક્યા નથી જેનો અફસોસ રહેશે અને હવે ક્યારે પરત આવીએ તે નક્કી નથી. વહેલી તકે બિલ્ડીંગનું સમારકામ કરવામાં આવે અને પ્રવાસીઓ માટે સ્મારક ખુલ્લું મુકવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...