રાણાવાવ નજીક પાઉ સીમ વિસ્તારમાં 90 વીઘામાં ફેલાયેલ તળાવ ખેડૂતો માટે બન્યું આશીર્વાદ રૂપ બની રહ્યું છે. ઉનાળાના આખર સમયમાં પણ આ તળાવમાં 6 ફૂટ પાણીનો સંગ્રહ હોવાથી આસપાસના વિસ્તારમાં વાવ, કૂવામાં પાણીના તળ ઉનાળાની આખર સુધી ડુક્યા નથી.
પોરબંદર જિલ્લામાં ગત વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન ધોધમાર વરસાદ પડયો હતો, અને ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હોવાના કારણે ઉપરવાસના વિસ્તારનું વરસાદી પાણી પોરબંદર પંથકમાં આવ્યું હોવાથી પોરબંદર નાનાં મોટાં તળાવો, જળાશયો વરસાદી પાણીથી છીકાર ભરાયા હતા. અને બરડા ડુંગરમાં પણ ધોધમાર વરસાદ પડયો હોવાથી ડુંગરની આસપાસના તળાવમાં વિપુલ માત્રામાં પાણીનો સંગ્રહ થયો હતો.
ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદથી નાના મોટા જળાશયોમાં થયેલ પાણીનો સંગ્રહ ખેડૂતો સહિતના લોકો માટે ખૂબ જ ઉપયોગી નિવડી રહ્યું છે. રાણાવાવ નજીક આવેલ પાઉ વિસ્તારમાં 90 વીઘા જમીનમાં તળાવ પથરાયેલ છે.
બરડા ડુંગરની ગોદમાં આવેલ આ તળાવમાં ચોમાસા દરમિયાન 12 ફૂટ જેટલો પાણીનો સંગ્રહ થયો હતો. અને હાલ આ તળાવ અડધું ભરાયેલ છે. 6 ફૂટ જેટલો પાણીનો સંગ્રહ હજુ પણ છે. જેથી ખેડૂતો સહિતના લોકો માટે આ પાણી ખૂબ જ ઉપયોગી નિવડી રહ્યું છે. રાણાવાવ પાવ સીમ વિસ્તારમાં આવેલ તળાવમાં વિપુલ માત્રામાં પાણીનો સંગ્રહ થયો હોવાથી આસપાસના વાવ, કુવામાં પાણીના તળ ઊંચા છે. અને ખેડૂતો તથા પશુપાલકોને આ પાણીથી ખૂબ જ લાભ મળી રહ્યો છે.
તળાવના પાણીએ આગોતરું વાવેતર કરાયું
રાણાવાવના પાવ સીમ વિસ્તારમાં આવેલ તળાવ હજુ અડધું ભર્યું છે. જેથી આ તળાવના પાણીના જોરે ખેડૂતોએ ઉનાળુ પાક ઉત્પાદન લીધા બાદ હવે ચોમાસુ પાકનું આગોતરું વાવેતર કર્યું છે. ખેડૂતોએ ખેતરનું ઓરવણુ કરી મગફળી સહિતના પાકનું વાવેતર કરી દીધું છે.
બરડાના જંગલી પશુઓને થઈ રહ્યો છે લાભ
બરડા ડુંગરની ગોદમાં 90 વીઘા જમીનમાં તળાવ પથરાયેલું છે. અને બરડા ડુંગરના જંગલમાં અનેક પશુ પંખીઓ વસવાટ કરે છે, ત્યારે આ તળાવમાં વિપુલ માત્રામાં પાણીનો સંગ્રહ છે, જેને લીધે ઉનાળાની ઋતુ દરમ્યાન પશુ પંખીઓને પીવાના પાણી માટે વલખા મારવાની નોબતથી છુટકારો થયો છે. અને આ તળાવનું પાણી અનેક પશુ પંખીને પીવા માટે ખૂબ જ ઉપયોગી નિવડી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.