જેતપુરના સાડી ઉદ્યોગનો ઝેરી કેમિકલ કચરાનાને પાઈપલાઈન મારફતે પોરબંદરના નવી બંદર નજીક દરિયામાં ઠાલવવાની યોજનાનો મુદ્દો વિધાનસભામાં ઉઠવા પામ્યો હતો. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા વિધાનસભામાં પૂછેલ પ્રશ્નના લેખિત જવાબમાં ઉદ્યોગમંત્રીએ જણાવ્યું હતું કે જેતરપુર પ્રોજેક્ટને તારીખ 18/01/2021ના રૂપિયા 667 કરોડના ખર્ચે મંજુરી આપવામાં આવી છે. જેના વર્કઓર્ડર જેતપુર ઇન્ડસ્ટ્રીયલ પાઈપલાઈન પ્રોજેક્ટ પ્રાઈવેટ લિ. તા.28/10/2021 ના કામ ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાની શરતે આપેલ છે.
આ અંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જેતપુરના સાડી ઉદ્યોગનું ઝેરી કેમિકલ યુક્ત પાણી અત્યાર સુધી ટ્રીટમેન્ટ કર્યા વગર નદી-નાળામાં છોડી દેવામાં આવતું હતું. અને તેના કારણે જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જુનાગઢ સુધીના ગ્રામ્ય વિસ્તારોના ભૂગર્ભ જળ અને ખેતીને ભારે નુકશાન થયું છે. ત્યારે હવે આ કેમિકલ યુક્ત પાણીને ટ્રીટમેન્ટ કરી શુદ્ધ કરી સ્થાનિક ખેડૂતોને સિંચાઈ માટે કે ઉદ્યોગોને વપરાશ માટે આપવાની જગ્યાએ પાઈપલાઈન મારફતે પોરબંદરના નવી બંદર નજીક દરિયામાં ઠાલવાની યોજના બનાવી છે, આ યોજના અનેક રીતે વિનાશકારક હોવાનું જણાવ્યું હતું.
ભાવનગરના દરિયામાં કેમિકલ જવાથી માછીમારી શક્ય ન હોય તેવી સ્થિતિ સર્જાશે
અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ કે કેમિકલ યુક્ત પાણી પોરબંદર જીલ્લાના ઘેડ વિસ્તારના ગામડાઓની ખેતીનો વિનાશ કરશે. તેમજ કેમિકલ યુક્ત પાણી દરિયામાં જશે એટલે દરિયાઈ જીવસુષ્ટિનો નાશ થશે. રત્નસાગર સમાન દરિયો ઝેરી સાગર બની જશે. આ પાઈપલાઈનથી સૌથી મોટુ નુકશાન માછીમાર ભાઈઓને થશે. દક્ષિણ ગુજરાત અને ભાવનગરના દરિયામાં કેમિકલ જવાથી માછીમારી શક્ય બનતી નથી. તે જ રીતે પોરબંદર, વેરાવળ અને કચ્છ સુધીના દરિયામાં આજ પરિસ્થિતી સર્જાશે.
667 કરોડનો ખર્ચ પાઈપલાઈન માટે થઈ શકતો હોય તો પછી આટલા ખર્ચમાં પાણી શુદ્ધ કરવાનો પ્લાન્ટ બનાવો
આ દરિયાનું પાણી જમીનમાં જવાથી દરિયાકાંઠાના વિસ્તારમાં ખેતી અને પશુપક્ષીઓનો નાશ થશે અને દરિયાકાંઠાના લોકોને રહેવુ પણ વિકટ બની જશે. જેથી કેમિકલ યુક્ત પાણીને ત્યાં શુદ્ધ કરવાનો પ્લાન્ટ નાખવો જોઈએ. રૂપિયા ૬૬૭ કરોડનો ખર્ચ પાઈપલાઈન માટે થઈ શકતો હોય તો પછી આટલા ખર્ચમાં પાણી શુદ્ધ કરવાનો પ્લાન્ટ બની શકે છે, અને શુદ્ધ થયેલ પાણીને સ્થાનિક ખેડૂતોને અને ઉદ્યોગોને આપીને આ સમાસ્યાને નિવારી શકાય તેમ હોવાનું જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.