કલેકટર અશોક શર્માએ પોરબંદરમાં આવેલી 138 વર્ષ જૂની સ્ટેટ લાયબ્રેરીમાં ચાલતા બાળવાર્તા કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને બાળકોને પંચતંત્રની સિંહની વાર્તા અભિનય સહ સંભળાવી હતી. તથા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષો અને જંગલોનું મહત્વ સમજાવ્યું હતું.
આ તકે કલેકટરએ બાળ વાર્તા કરી હતી. જેમાં પોતાના જૂથથી વિખૂટા પડી બકરીના ટોળામાં ઉછરેલ સિંહની વાત છે. આ સિંહબાળ ઉછેરને લીધે બકરી જેવું બેં બેં બોલતો ચાલતો અને ખાતોપીતો હોય છે. પછી એને એક પુખ્ત સિંહ મળી જાય છે. જે એને કૂવાના પાણીમાં મોઢું બતાવી તેના પોતાનો અહેસાસ કરાવે છે. અંતે એ પોતાના મૂળ સ્વભાવને પામે છે.
સ્વામી વિવેકાનંદના બાળબોધમાં આ વાત અગત્યની છે. જે દરેક જીવમાં રહેલ શિવના સાક્ષાત્કારની વાત છે. તમે સામાન્ય નથી, મહાન છો! જાતને જાણો અને જીતો જગને! તેવો મેસેજ આપ્યો હતો, સાથે જંગલ, પશુપક્ષી અને પર્યાવરણની વાતો પણ સહજ રીતે કરી હતી.
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બાળકો સાથે સંવાદ થયો હતો. સરળ બાળશૈલીમાં વાર્તા કરતાં કરતાં કલેકટર પણ બાળક બની સંવાદ કર્યો હતો. આ પ્રસંગે આયોજક દિપકભાઇ લાખાણી એડવોકેટ, દુર્ગેશભાઈ ઓઝા અને પ્રા.સુલભા દેશપાંડે સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.