મુશ્કેલી:પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં ચાલુ ઓપરેશન દરમ્યાન IITV મશીન ખરાબ થયું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તબીબ સહિત દર્દીએ મુશ્કેલી વેઠી, 1 કલાક બાદ એક્ષ-રે મશીન મંગાવી ઓપરેશન કરાયું

પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં ચાલુ ઓપરેશને આઈઆઈટીવી મશીન ખરાબ થયું હતું. એક કલાક તબીબ સહિત દર્દીએ મુશ્કેલી વેઠી હતી. ડીઝીટલ એક્સરે મશીન મંગાવી ઓપરેશન કરાયું હતું.

પોરબંદર જિલ્લાની એકમાત્ર ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ચાલુ ઓપરેશને આઈઆઈ ટીવી મશીન બંધ પડી ગયું હતું. બનાવની વિગત મુજબ વિનુભાઈ નામના એક દર્દીને પગમાં વાગી જતા ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ સર્જાતા શુક્રવારે સવારે સિવિલ હોસ્પિટલ ખાતેના ઓપરેશન થિયેટરમાં આ દર્દીનું ઓપરેશન ચાલતું હતું તે દરમ્યાન ઓપરેશન થિયેટરમાં આવેલ આઈઆઈ ટીવી મશીન બંધ પડી ગયું હતું.

જેથી ઓર્થોપેડિક તબીબને ઓપરેશન કરવામાં ભારે હાલાકી વેઠવી પડી હતી અને ચાલુ ઓપરેશને મશીન બંધ પડી જતા તબીબ સહિતનો સ્ટાફ અને પરેશાન થયો હતો. અને દર્દી પણ મુશ્કેલી વેઠી રહયા હતા. તાબડતોબ ડીઝીટલ મશીન મંગાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોર પરના ડીઝીટલ એક્સરે મશીનને ઓપરેશન થિયેટરમાં ફિટ કરી દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં એક કલાક જેટલો સમય લાગ્યો હતો.

  • આઈઆઈ ટીવી મશીન મહત્વનો ભાગ ભજવે છે. દર્દીના ઓપરેશન આ ટીવી મશીનમાં જોઇ અને કરવાના હોય છે. આ એક એક્સરે મશીન હોય છે જેમાંથી જોઈ ઓપરેશન કરીએ છીએ. દર્દીના ઓપરેશન દરમ્યાન આ મશીન બંધ થયું હતું. એકાદ કલાક બાદ ડિજિટલ એક્સરે મશીન ફિટ કરીને સફળતા પૂર્વક ઓપરેશન કર્યું છે. - તોસિફ છુટ્ટાણી, ઓર્થોપેડિક સર્જન

અગાઉ આઇઆઇ ટીવી દીવાળી વખતે ખરાબ થયું હતું
હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતુંકે, ઓપરેશન થિયેટરમાં આવેલ આઈઆઈ ટીવી ગત દિવાળી દરમ્યાન ખરાબ થયું હતું. આ મશીન જૂનું છે. નવા મશીન માટેની મંજૂરી પણ મળી ગઈ છે છતાં હજુસુધી આવ્યું નથી. આ મશીન જૂનું હોવાથી ખરાબ થયું છે. ચાલુ ઓપરેશને આ પ્રકારની મશીનમાં ખામી સર્જાણી હતી.

અન્ય સમાચારો પણ છે...