તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એલર્ટ:વાવાઝોડું વેરાવળ તરફ 230 કિમી નજીક આવ્યું, આજથી હળવો વરસાદ પડી શકે

પોરબંદર/ જૂનાગઢ/ ઊના4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાવઝોડું નજીક આવતા પોરબંદરના બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું
 • ઊના તાલુકાના નવાબંદર અને સૈયદ રાજપરાની 300 બોટ હજુ દરિયામાં
 • જૂનાગઢ, ગિર- સોમનાથમાં 2, પોરબંદરમાં NDRFની 2, 1 SDRFની ટીમ ફાળવાઇ
 • જૂનાગઢ જિલ્લાનાં 47 ગામના લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવશે

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લેતા આ વાવાઝોડાના ટોકટે વાવાઝોડું નામ આપવામાં આવ્યું છે. વાવાઝોડું છેલ્લા 24 કલાકમાં વેરાવળ તરફ 230 કિમી નજીક આવી જતાં પોરબંદરના બંદર પર 1 નંબરનું સિગ્નલ હટાવી 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. આગામી 18 તારીખે પોરબંદરથી નલિયા વચ્ચે વાવાઝોડું ત્રાટકે તેવી ભીતિ હોવાથી SDRF ની 1 અને NDRFની 2 ટીમે પોરબંદરમાં મોરચો સાંભળી લીધો છે.

સમુદ્રમાં કરંટ જોવા મળ્યો હતો
સમુદ્રમાં કરંટ જોવા મળ્યો હતો

ગઇકાલે વેરાવળથી 1060 કિમી દૂર ગોવા નજીક દરિયામાં કેન્દ્રિત થયેલું ટોકટે વાવાઝોડું કલાકના 13 કિમીની ઝડપે મુંબઈ અને ગુજરાત તરફ ગતિ કરી રહ્યું હોય ગુજરાત તરફ વધુ 230 કિમી નજીક સરક્યું હોય હાલ આ વાવાઝોડું વેરાવળથી 850 કિમી દૂર સમુદ્રમાં કેન્દ્રિત થયું છે. આ વાવાઝોડાએ અત્યારે 15 મી મે ના સાંજે 6 કલાકે સિવિયર સાયકલોનનું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને 6 કલાક બાદ રાત્રિના 12 વાગ્યા સુધીમાં વેરી સિવિયર સાયકલોનમાં પરિવર્તિત થાય તેવી ચેતવણી આપવામાં આવી છે અને આગામી 18 મે ના સવારે 9 થી 12 કલાક સુધીમાં આ વાવાઝોડું પોરબંદર થી નલિયા વચ્ચે ત્રાટકે તેવી સંભાવનાને પગલે પોરબંદરના બંદર પર ચેતવણી દર્શાવવા લગાવાયેલા સિગ્નલ નંબર 1 માં વધારો કરી સિગ્નલ 2 કરી દેવામાં આવ્યું છે.

જ્યારે નાના પીલાણાને સમુદ્રથી દૂર ખસેડાયા હતા.
જ્યારે નાના પીલાણાને સમુદ્રથી દૂર ખસેડાયા હતા.

જે સૂચવે છે કે "વાવાઝોડું થયું છે બંદર છોડયા પછી વહાણોને બળનો સામનો કરવો પડશે" તે ઉપરાંત પોરબંદરની દરિયાઈ પટ્ટી પર તોફાનના લીધે ખાના-ખરાબી સર્જાય તો આવી પરિસ્થિતીને પહોંચી વળવા 25 સભ્યોની SDRF ની 1 અને 25-25 સભ્યો NDRF ની 2 ટીમ પોરબંદર પહોંચી ચૂકી છે અને જ્યાં જરૂર પડશે ત્યાં આ ટીમ મોરચો સાંભળી લેશે. આ ટીમ પાસે બચાવ અને રાહતના તમામ સાધનો ઉપલબ્ધ છે તેમજ જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને કોસ્ટગાર્ડ દ્વારા માછીમારો અને દરિયા કિનારે રહેતા લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે.

અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડાને પગલે દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોમાં જિલ્લા વહિવટી તંત્રએ તકેદારીના સંખ્યાબંધ પગલાં લીધા છે.
અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડાને પગલે દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોમાં જિલ્લા વહિવટી તંત્રએ તકેદારીના સંખ્યાબંધ પગલાં લીધા છે.

પોરબંદર નગરપાલિકા દ્વારા અને માધવપુર ગ્રામ પંચાયત દ્વારા શેરીઓમાં રિક્ષા ફેરવી લોકોને વાવાઝોડાની સંભાવના અંગે સૂચિત કરવામાં આવી રહ્યા છે. ઊનાના નવા બંદર અને સૈયદ રાજપરાની આશરે 300 બોટો હજુ આ લખાઇ રહ્યું છે ત્યારે દરિયામાં છે. વાતાવરણ ખરાબ થતાં બોટોનો વાયરલેસથી સંપર્ક થઇ શકતો નથી. આમ છત્તાં એક પછી એક બોટો કાંઠે આવી રહી છે. વાવાઝોડું હજુ ગુજરાતના સમુદ્રતટથી ઘણું દૂર છે. આમ છત્તાં દરિયામાં તેનો કરંટ અત્યારે પણ દેખાઇ રહ્યો છે. અને વાતાવરણ પણ વાદળછાયું બની ગયું છે.

ગિર સોમનાથ જિલ્લામાં એનડીઆરએફની 120 જવાનોની બનેલી કુલ 2 ટીમ ઉતારવામાં આવી છે. આ ટીમ રબ્બરની બોટ, લાઇફ જેકેટ, દોરડાં, બીજા રેસ્ક્યુના સાધનોથી સજ્જ હોય છે. તો જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના નીચાણવાળા ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરાવવાની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાઇ રહી છે.ઊનાના મામલતદાર કે. એન. નીનામાએ જણાવ્યું છેકે, કાંઠાળ વિસ્તારોમાં લોકોને જરૂર પડ્યે શાળાઓમાં આશ્રય આપવાની વ્યવસ્થા કરાશે. આ માટેની મિટીંગ આવતીકાલ તા. 16 મે 2021 ના રોજ યોજાશે. દરમ્યાન ઊના તાલુકાના નવા બંદરની 50 અને સૈયદ રાજપરાની 200 થી 250 બોટ હજુ દરિયામાંજ હોવાની વિગતો પણ સાંપડી છે.કોડીનાર તાલુકાના માઢવાડ, કોટડા, મૂળ દ્વારકા તેમજ સુત્રાપાડા તાલુકાના સુત્રાપાડા સહિતના બંદરે પણ પીલાણા કાંઠે ચઢાવી દેવાયા છે.

તા. 17 થી તા. 18 મે સુધીમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહીને કારણે દીવ તંત્રને એલર્ટ કરાયું છે. દીવ પ્રદેશ મત્સ્ય ઉદ્યોગ ઉપર આધારિત પ્રદેશ છે. અહીંના લોકો મોટાભાગે માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. પણ હાલ માછીમારી વ્યવસાય બંધ છે. આથી દીવમાં માછીમારીની લગભગ ઘણી ખરી બોટો પહેલેથીજ જેટી ઉપર લાંગરી દેવાઇ છે. સંભવિત વાવાઝોડાના પગલે તારીખ 16 મેથી 20મી મે સુધી તમામ દરિયાકિનારા અને ચોપાટી પર લોકોને જવા સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

વાવાઝોડાને લીધે અતિભારે થી અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે.ખેતરમા ઉભા પાક જેવા કે ઉનાળુ મગફળી, ઉનાળુ મગ, ઉનાળુ તલ, ઘાસચારો, શાકભાજી વગેરે પાકમાં ખેડૂતોએ નીચે મુજબની સાવચેતી લેવા ખેતીવાડી અધિકારીએ અપીલ કરી કરેલા સૂચન

 • પરિપકવ થયેલ ઉનાળુ મગફળી, તલ, મગ, અડદ જેવા પાકોની કાપણી અને લણણીની કામગીરી તાત્કાલિક ઝડપથી પુર્ણ કરવી અને તે ઉત્પાદનને સલામત સ્થળે સંગ્રહ કરવાની વ્યવસ્થા કરવી.
 • ચોમાસુ પાકોનુ આગોતરુ વાવેતર હાલ પુરતુ મુલતવી રાખવુ
 • ખેતરના ઉભા પાકમાં વરસાદનુ પાણી ભરાય રહેતુ હોય તો તેના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી.
 • ફળઝાડ પાકો આંબા(કેરી), રાવણા, ચીકુ, વગેરે જેવા ફળોની સમયસર ઝડપથી વીણી કરીને ફળઝાડોને ભારે પવન સામે રક્ષણ મેળવવા માટે ટેકો આપવાની વ્યવસ્થા કરવી.
 • ખેતરોમાં ખુલ્લા પડેલ તૈયાર પાકોને સલામત જગ્યાએ સંગ્રહવવાની વ્યવસ્થા કરવી અથવા તેને ઢાંકવાની વ્યવસ્થા કરવી.
 • પાલતુ પ્રાણી – પશુઓને ખુલ્લામાં, ઇલેકટ્રીક થાંભલા સાથે કે ઝાડની નીચે ન બાંધતા, તેને સલામત જગ્યાએ રાખવાની વ્યવસ્થા કરવી.
 • રાસાયણિક ખાતર કે નવુ ખરીદેલ બિયારણ પલળે નહી તે મુજબ સુરક્ષિત ગોડાઉનમા રાખવુ.
 • એપીએમસીમાં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા અને અનાજ કે ખેતપેદાશ તાડપત્રીથી ઢાકીને રાખવા.

સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે તાલપત્રી અને પ્લાસ્ટિકના વેપારી દુકાનો ખોલી શકશે
વરસાદ આવે તે સ્થિતિએ તાલપત્રી પ્લાસ્ટિકની જરૂરિયાત ઉભી થાય તેમ છે. 18 મે સુધી સવારે 8થી રાત્રીના 8 સુધી વેપારીભાઇઓ તાલપત્રી- પ્લાસ્ટીકની દુકાનો ખુલી રાખી શકશે તેવું ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું.

300 શેલ્ટર હોમ
પોરબંદરમાં 18 અને સમગ્ર જિલ્લામાં 300 સ્થળને સેલ્ટર હોમ તરીકે ઉપયોગ કરવા આઇડેન્ટિફાય કરાયા છે.

કેશોદમાં મોટા હોર્ડીંગ્સ હટાવવાનું શરૂ
​​​​​​​
કેશોદ નગરપાલીકાએ તૌક્તે વાવાઝોડાથી તકેદારી માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે કોઇ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે જુદા જુદા પગલાં લેવાયા છે. જેમાં ફાયર બ્રિગેડની ટીમ સતત એલર્ટ પર રહેશે. ઉપરાંત રાજમાર્ગો પર લટકતા જાહેરાતનાં મોટા હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભયજનક અને જર્જરીત ઇમારતોમાં રહેતા લોકોને પણ સુરક્ષિત સ્થળોએ રહેવા સુચના આપી દેવાઇ છે. તો ઇમરજન્સી માટે ઉભા કરાયેલા કન્ટ્રોલ રૂમને કોઇપણ ઘટનાની જાણ કરવા ચીફ ઓફીસર પાર્થીવ પરમારે જણાવ્યું હતું. તસવીર: પ્રવિણ કરંગિયાપરિવહન, 17, 18 અને 19મે એ પોરબંદર આવતી-જતી ટ્રેનો રદ્દ કરાઇ

ચક્રવાતની ચેતવણીને લીધે આગામી દિવસોમાં પોરબંદરની 4 ટ્રેનો રદ્દ કરાઈ
પોરબંદરથી ઊપડતી અને પોરબંદર આવતી 4 કેટલીક વિશેષ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.સમુદ્રી તોફાનના લીધા ભાવનગર રેલ્વે બોર્ડ દ્વારા 17 અને 18 મે 2021 ના રોજ થી 18 મે ના રોજ પોરબંદરથી સિકંદરાબાદ જતી ટ્રેન નંબર 09204 અને 19 મે એ સિકંદરાબાદ થી પોરબંદર આવતી ટ્રેન નંબર 9203, 15 મે એ હાવડાથી પોરબંદર આવતી ટ્રેન નંબર 09206, 16 મે એ મુજફ્ફરપુર થી પોરબંદર આવતી ટ્રેન નંબર 09270 અને 16 મે એ સાંતરાગાછી થી પોરબંદર આવતી ટ્રેન નંબર 09094 કેન્સલ કરી દીધી છે.

રાજકોટ-વેરાવળ ટ્રેન 2 દિવસ માટે રદ
તૌક્તે વાવાઝોડાને લઇને રેલ્વે દ્વારા ટ્રેન નં. 09513 રાજકોટ-વેરાવળ અને 09514 વેરાવળ-રાજકોટ સ્પેશિયલ પેસેન્જર ટ્રેન તા. 17 અને 18 મે 2021 ના રોજ કેન્સલ રહેશે. એમ ભાવનગર રેલ્વે ડીવીઝનના કોમર્શિયલ મેનેજર માશૂક અહમદે જણાવ્યું છે.

કેશોદ અને મેંદરડા પ્રાંત અધિકારીને માંગરોળ અને માળિયા બેસવા સુચના
તૌક્તે વાવાઝોડાને લઇ જૂનાગઢ જિલ્લાના દરિયાકિનારાની 10 કિમીની ત્રિજીયામાં આવતા માંગરોળ તાલુકાના 32 ગામો અને માળિયા હાટીના તાલુકાના 15 મળી કુલ 47 ગામોના લોકોને સલામત આશ્રય સ્થાનોએ સ્થળાંતર કરવા અને આવા સ્થળોએ પાયાની સુવિધા ઉભી કરવા અને બચાવ તેમજ રાહતની કામગિરી માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીએ મહત્વનો આદેશ જારી કર્યો છે. જેમાં તમામ ખાતાના અધિકારીઓ અને મહેસુલી કર્મચારીઓને પ્રાંત અધિકારીના હવાલે મૂકાયા છે. આ સાથે કેશોદના પ્રાંત અધિકારીને માંગરોળ મામલતદાર કચેરી ખાતે અને મેંદરડા પ્રાંત અધિકારીને માળિયા હાટીના મામલતદાર કચેરીએ બેસીને કલેક્ટરના હુકમની અમલવારી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...