કાર્યવાહી:જાહેર શૌચાલયની સફાઈ મુદ્દે માનવ અધિકાર આયોગે ચીફ ઓફિસરને નોટિસ ફટકારી

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાના ચીફ ઓફિસરને 20 દિવસમાં સ્પષ્ટતા કરી કાર્યવાહી કરવા જણાવ્યું

પોરબંદરમાં જાહેર શૌચાલયની સફાઈ મુદ્દે માનવ અધિકાર આયોગે ચીફ ઓફિસરને નોટિસ ફટકારી ચીફ ઓફિસરને 20 દિવસમાં સ્પષ્ટતા કરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.પોરબંદર શહેરમાં આવેલ નરસંગ ટેકરીથી ફુવારા સુધી મહિલાઓ અને પુરુષો માટે કાયમી શૌચાલયની વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિકોને તેમજ અહીં આવતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શૌચાલયની વ્યવસ્થાના અભાવે લોકો મુશ્કેલીમાં મુકાઈ છે. અને જ્યાં શૌચાલય છે, ત્યાં યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી.

પોરબંદર નગરપાલિકાના અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ આજ દિવસ સુધી સફાઈ કરી નથી, અંતે સમસ્યાના નિરાકરણ માટે માનવ અધિકાર આયોગને ફરિયાદ કરવામાં આવી હતી. જેના અનુસંધાને માનવ અધિકાર આયોગે નગરપાલિકાના ચીફ ઓફિસરને 20 દિવસમાં સ્પષ્ટતા કરી આગળની કાર્યવાહી કરવા નોટિસ ફટકારી છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં ટોયલેટની વ્યવસ્થાનો અભાવ અને શહેરમાં જે સ્થળોએ ટોયલેટ છે, ત્યાં ગંદકીના ગંજ ખડકાયા છે. જેથી યોગ્ય રીતે સફાઈના અભાવે લોકો કપરી પરિસ્થિતિમાં મુકાઇ રહ્યા છે.

શૌચાલયના અભાવે પર્યટકોને ભારે હાડમારી
પોરબંદર શહેરમાં આખા વર્ષ દરમ્યાન પ્રવાસીઓની હાજરી રહેતી હોય છે. રાજકોટ, અમદાવાદ અને દ્વારકા તથા સોમનાથ તરફથી આવતા પર્યટકો નરસંગ ટેકરી સહિતના સ્થળોએથી પોરબંદરમાં પ્રવેશ કરે ત્યારે શૌચાલયના અભાવે આ પર્યટકો કપરી પરિસ્થિતિમાં મુકાઇ છે. અને જે સ્થળોએ સૌચાલય છે ત્યાં પાણીની વ્યવસ્થા ન હોય તથા દુર્ગંધથી પ્રવાસીઓને જાહેર માર્ગ પર પસાર થવામાં હાડમારી વેઠવી પડે છે.

વેપારીઓને માથા ફાટી જાય તેવી દુર્ગંધથી હાલાકી
પોરબંદર શહેરના જાહેર માર્ગોપર શૌચાલયની યોગ્ય રીતે સફાઇ થતી નથી. જવાબદાર તંત્ર સફાઈની વ્યવસ્થા કરતું નથી. જેથી માથા ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાઈ રહી છે, અહીંથી પસાર થતા લોકો અને સ્થાનિક વેપારીઓને ભારે હાડમારી વેઠવી પડી રહી છે. જવાબદાર તંત્ર સત્વરે યોગ્ય કરે તેવી માંગ ઉઠી છે.

સમયમર્યાદામાંપગલાં નહીં ભરાય તો આયોગ કડક વલણ દાખવશે
પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસરને માનવ અધિકાર આયોગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, અને નિયત સમયમર્યાદામાં અહેવાલ મોકલવામાં નિષ્ફળ જશે તો આયોગ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે તેવું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...