તાજેતરમાં રોકેટ સ્પીડે ફેલાયેલા H3N2 ફ્લુને અટકાવવા વિધાનસભામાં સરકારને ઘેરવામાં આવી હતી. પોરબંદરના ધારાસભ્ય મોઢવાડીયાએ વિધાનસભામાં નિયમ 116 મુજબ ચર્ચા દરમિયાન વાયરસને અટકાવવા આગતરા પગલા લેવાની માંગ કરી છે.
તાજેતરમાં રાજયમાં H3N2 ફ્લુના કારણે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટી તેમજ ખાંસીના કેસોમાં ખૂબ વધારો થયો છે. આ વાઈરસ અબાલવૃદ્ધ સહિત તમામ લોકોમાં ફેલાઈ રહ્યો છે. જેના કારણે કોરોના બાદ લોકોમાં H3N2 ફ્લુનો ભય ફેલાયો છે. ત્યારે વિધાનસભામાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ નિયમ 116 મુજબ H3N2 ફ્લુ બાબતે ચર્ચાની માંગ કરીને સરકાર દ્વારા H3N2 ફ્લુને અટકાવવા માટે ઉઠાવવામાં આવેલ પગલાની વિગતો માંગી હતી. અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે H3N2 ફ્લૂના દેશમાં 456 કેસ અને તેના લીધે 3 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર આંકડામાં જણાવેલ છે.
ગુજરાતમાં પણ 3 કેસ નોંધાયાનું સત્તાવાર જણાવેલ છે. પરંતુ આ ફ્લુના દર્દીઓ ખુબ જ વ્યાપક પ્રમાણમાં છે. દર્દીઓ હોસ્પિટલમાં આવી રિપોર્ટ કરાવતા નથી એટલે ધ્યાન ઉપર આવતુ નથી. આવા ફ્લૂ વારંવાર પોતાનું સ્વરૂપ કે વેરિઅન્ટ બદલે છે. જેનો સામનો કરવાની શરીરમાં ઈમ્યુનિટી હોતી નથી એટલે ક્યારેક વાયરસ ઘાતક નિવડે છે. જેના કારણે તેને અટકાવવા માટે આગોતરા પગલા લેવા ખુબ જરૂરી છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યની તમામ હોસ્પિટલોમાં H3N2 માટેની દવાઓનો જથ્થો અનામત રાખવા અને બેડની વ્યવસ્થા રાખવા માટેની પણ વિધાનસભામાં રજુઆત કરી છે.
કોરોના પણ સમગ્ર વિશ્વ માટે ઘાતક નિવડયો
કોરોના પણ એક પ્રકારનો વેરિઅન્ટ કે સબ વેરિએન્ટ જ હતો અને સમગ્ર વિશ્વ માટે તે કેટલો ઘાતક નિવડ્યો તે આપણે સહું સારી રીતે જાણીએ છીએ. આપણામાંથી ઘણાએ કોરોના કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને કેવી આરોગ્ય કટોકટી સર્જાઈ હતી તે પણ અનુભવી છે. જેથી ફરી આવી સ્થિતી ના સર્જાય તે માટે H3N2 ફ્લુને રોકવા માટે તત્કાલ આગોતરા પગલા ઉઠાવાની જરૂર છે.
નામ નોંધાવનાર વ્યક્તિના ઘરે જઈને ટેસ્ટ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ
આ માટે સૌથી પહેલા ટેસ્ટ થવો જોઈએ. અને ત્યાર બાદ તેની યોગ્ય ટ્રીટમેન્ટ થવી જોઈએ. આવા વાયારસ વારંવાર પોતાનું સ્વરૂપ કે વેરિએન્ટ બદલે છે, તેથી તેની ઓળખ માટે જિનોમ સિક્વન્સીંગ થવુ ખુબ જ જરૂરી છે. જિનોમ સિક્વન્સીંગ જેટલુ ઝડપથી થશે એટલી ઝડપથી તે વાયરસને રોકવામાં સફળતા મળશે. જેથી આપણે વધુમાં વધુ જીનોમ સિક્વન્સીંગ લેબોરેટરીઓ ઉભી કરવી જોઈએ. તેમજ H3N2 ફ્લૂનાશંકાસ્પદ વ્યક્તિ ઓનલાઈન પોતાનું નામ નોંધાવી શકે તે માટે કોઈ એપ બનાવી જોઈએ અને તે એપ ઉપર નામ નોંધાવનાર વ્યક્તિના ઘરે જઈને ટેસ્ટ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.