નિર્ણય:નર્સિંગ કોવિડ ખાતે જનરલ હોસ્પિટલ કાર્યરત થશે

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર શહેર અને જિલ્લામાં હાલ કોરોનાનાં દર્દીઓની દાખલ થવાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ત્યારે
  • નર્સિંગના કોવિડ દર્દીઓને સિવિલમાં ખસેડાશે, કોવિડ દર્દીની દાખલ સંખ્યા ઘટતા નિર્ણય લેવાયો, નર્સિંગ કોવિડમાં 40 દર્દી દાખલ

પોરબંદરની નર્સિંગ કોવિડ હોસ્પિટલ ખાતે જનરલ હોસ્પિટલ કાર્યરત થશે. નર્સિંગમા દાખલ કોવિડ દર્દીઓને સિવિલમાં ખસેડાશે. કોવિડ દર્દીની દાખલ સંખ્યા ઘટતા નિર્ણય લેવાયો છે. હાલ નર્સિંગ કોવિડમાં 40 દર્દી દાખલ છે.

પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો જેથી દાખલ દર્દીઓની સંખ્યા વધી હતી. તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો અને દર્દીઓની સારવાર માટે નર્સિંગ સ્કૂલ ખાતે જનરલ ઓપીડી હતી ત્યાં કોવિડ હોસ્પિટલ શરૂ કરી, અખાડા સામે નર્સિંગ હોસ્ટેલ ખાતે જનરલ ઓપીડી શરૂ કરી હતી.

દર્દીઓની સંખ્યા વધતા ખાનગી હોસ્પિટલ ખાતે પણ દર્દીઓથી બેડ ભરાઈ ગયા હતા અને તમામ કોવિડ હોસ્પિટલ ખાતે જગ્યા ન હતી. હાલ સ્થિતિમાં સુધારો આવ્યો છે. કોવિડ દર્દીના દાખલ થવાની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. નર્સિંગ કોવિડ ખાતે હાલ 40 દર્દી દાખલ છે. અને સિવિલ ખાતે પણ બેડ ખાલી રહે છે જેથી નર્સિંગ કોવિડ ખાતેથી કોવિડ દર્દીઓને સિવિલ ખાતે શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઇન્ચાર્જ સિવિલ સર્જન અલ્કાબેન કોટકે જણાવ્યું હતું કે, નર્સિંગ ખાતે કોવિડના દાખલ દર્દીની સંખ્યા ઓછી છે જેથી આ દર્દીઓને તબક્કાવાર સિવિલ કોવિડ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવશે અને નર્સિંગ કોવિડ ખાતે જનરલ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવશે તેમજ નર્સિંગ હોસ્ટેલ ખાતે કાર્યરત જનરલ હોસ્પિટલને બંધ કરી નર્સિંગ સ્કૂલ ખાતે જ જનરલ ઓપીડી શરૂ થશે. આ કામગીરી 4 થી 5 દિવસમાં પુરી થશે તેવુ પણ જણાવ્યું હતું.

પોરબંદરનાં સિવિલ અને નર્સિંગ કોવિડની સ્થિતિ
પોરબંદરના સિવિલ કોવિડ હોસ્પિટલના આઇસોલેશનમાં 19 દર્દી દાખલ છે જ્યારે ISO જનરલ વોર્ડમાં 29 દર્દી દાખલ છે. સેમી આઇસોમાં 43 દર્દી દાખલ છે. ઉપરાંત નર્સિંગ કોવિડ ખાતે 40 દર્દી દાખલ છે. તમામ દર્દી પૈકી 79 દર્દી ઓક્સિજન પર છે.

આજે 9 સ્થળે વેક્સિનેશનનું આયોજન
આજે સોમવારે પોરબંદરના જિલ્લા પંચાયત ખાતે અને સીએચસી અડવાણા, સીએચસી કુતિયાણા ખાતે કોવી શિલ્ડ તેમજ યુપીએચસી છાયા અને કડીયાપ્લોટ ઉપરાંત પીએચસી ભડ,ખાગેશ્રી, બખરલા અને દિગ્વિજયગઢ ગ્રામ પંચાયત ખાતે કો વેકશીનના ડોઝ આપવાનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...