વનવિભાગની કાર્યવાહી:વનવિભાગે 15 પોપટ ઉડાડી 1 કાચબો કબ્જે કર્યો

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પક્ષીઓને પાંજરે નહીં મુક્ત ગગનમાં વિહરવા દો : પોરબંદરમાં પોપટને પાંજરે પૂરનાર શખ્સો સામે વનવિભાગની કાર્યવાહી

પોરબંદરમાં વનવિભાગની ટીમે 5 સ્થળેથી 15 પોપટપક્ષી અને 1 કાચબો કબ્જે કરી પક્ષીઓને પાંજરે પૂરનાર શખ્સોને દંડ ફટકાર્યો છે.પક્ષી અને પશુઓને પોતાની દુનિયા હોય છે. મુક્ત મને ગગનમાં વિહરતા અને કલબલાટ કરતા પક્ષીઓ સૌને ગમે છે પરંતુ આ રંગબેરંગી પક્ષીઓને તેના પરિવારથી વિખૂટું પાડી કેટલાક લોકો ઘરમાં લાવીને પાંજરે પુરી દેતા હોય છે. પોરબંદર શહેરમાં પ્રાણીઓ તથા પક્ષીઓને પોતાના ઘરમાં તથા તેના વ્યવસાયના સ્થળે પાલતુ બનાવીને રાખતા વ્યક્તિઓની સંખ્યા વધતી જાય છે.

કાચબા તથા પોપટ પક્ષીને બંધનાવસ્થામાં રાખવા તે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ ગુન્હો બને છે. હાલમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે ત્યારે પોરબંદર વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર એમ.જી.ચૌહાણ, ફોરેસ્ટ ગાર્ડ આર.બી.મોઢવાડિયા તથા પ્રતિક બી. ઓડેદરા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 15 પોપટ પક્ષી તથા 1 સુરજ કાચબો ને બંધનાવસ્થામાં રાખેલ સ્થિતિમાંથી કબ્જે કરી પક્ષી અભયારણ્ય ખાતે રાખવામાં આવેલ છે. વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક લોકો પૂજા પાઠ અને અંધશ્રદ્ધાને કારણે કાચબાને ઘરના રાખતા હોય છે. કોઈપણ ભારતીય વાઈલ્ડ પ્રાણી કે પક્ષીને ઘરના પાંજરામાં પૂરવા કે પોતાના કબ્જામાં રાખવાએ ગુન્હો છે.

3 વ્યક્તિ સામે દંડની કાર્યવાહી કરી
પોપટ પક્ષીઓ તથા કાચબાને બંધનાવસ્થામાં રાખનાર એસવીપી રોડ નજીક રહેતા શ્રીકાંત પ્રવિણચંદ્ર મોઢા, કડીયાપ્લોટના કપિલ બાબુભાઇ, જીઆઇડીસી માંથી ફિરોજખાન ઇસ્માઇખાન પઠાણ સહિતના સામે દંડ સહિતની કાર્યવાહી કરવામા આવી છે. અન્ય બે સ્થળે ચેકીંગ કર્યું હતું જ્યાં નાના બાળકો હતા જેથી આજે અન્ય 2 વ્યક્તિ સામે દંડ ની કાર્યવાહી કરવામાં આવશે.

શું છે દંડની જોગવાઈ ?
કબૂતર, એક્ઝોટિક એટલેકે પાંજરામા જ રહેતા હોય તેવા બજરી પક્ષી સિવાયના તમામ ભારતીય વાઈલ્ડ પક્ષી કે પશુને ઘરમાં પોતાના કબ્જામાં ન રાખી શકાય. જો કોઈ ઘર માંથી પકડાઈ તો વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972નિ કલમ 51 મુજબ રૂ. 25 હજાર સુધીનો દંડ અને 3 વર્ષ સુધીની કેદ અથવા બન્નેની જોગવાઈ છે.

આગામી સમયમાં પણ ડ્રાઈવ ચાલુ રહેશે
વનવિભાગ અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈ સ્થળે વાઈલ્ડ પશુ કે પક્ષી બંધનમા રાખ્યા હશે અને જાણ થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આગામી સમયમાં પણ ડ્રાઈવ ચાલુ રહેશે.

લોક જાગૃતિ જરૂરી
જિલ્લામાં કેટલાક ઘરોમાં પોપટ સહિતના પક્ષીઓ અને કાચબા રાખવામાં આવે છે. અને આ પક્ષી કે કાચબા પોતાના પરિવારના સભ્ય છે, તેની સારી કાળજી લઈએ છીએ તેવું ઘરના લોકો રટણ કરતા હોય છે. પરંતુ આ પક્ષીઓને કબ્જામાં રાખવા તે ગુન્હો છે જેની ગંભીરતાથી નોંધ લઈ પક્ષીઓને ગગનમાં મુક્ત કરવા લોક જાગૃતિ જરૂરી બની છે.

અન્ય સમાચારો પણ છે...