ગાંધીભૂમી પોરબંદરથી મુંબઇ જવા માટે દિલ્હી જવા માટે અને અમદાવાદ જવા માટે અગાઉ વિમાની સેવા શરૂ કરાઇ હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સેવા બંધ થઇ જતા પોરબંદરના મુસાફરોને મળતી વિમાની સેવા છીનવાઇ ગઇ છે. આ અંગે પોરબંદરના ધારાસભ્યએ વિધાનસભામાં રજૂઆત કરતા પોરબંદર અમદાવાદ વચ્ચે ટુંક સમયમાં વિમાની સેવા શરૂ કરાશે તેવી ખાત્રી આપવામાં આવી હતી.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં રજૂઆત કરી હતી કે પોરબંદર-અમદાવાદ, પોરબંદર-મુંબઇ અને પોરબંદર-દિલ્હી વચ્ચે અગાઉ ચાલુ હતી તે વિમાની સેવા પુન: શરૂ કરવા માંગ કરી હતી. અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર રાજ્યના સૌથી જુના એરપોર્ટ પૈકીનું એક એરપોર્ટ ધરાવે છે, જ્યાં વર્ષ 1962 થી પોરબંદરને મુંબઈ સાથે જોડતી ફ્લાઈટ ચાલતી હતી. ત્યારબાદ તબક્કાવાર પોરબંદર-અમદાવાદ અને પોરબંદર-દિલ્હીની ફ્લાઈટ સેવા પણ ચાલુ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા છ મહિનાથી પોરબંદર એરપોર્ટથી તમામ ફ્લાઈટનું ઓપરેટીંગ બંધ કરી દેવામાં આવેલ છે.
જેના કારણે પોરબંદરના વેપારીઓ સહિતના વર્ગને ભારે હાલાકી ભોગવવી પડે છે તેમજ અન્ય વાહનો મારફત મુસાફરી કરવામાં સમય પણ વેડફાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે પોરબંદર એરપોર્ટ કાર્યરત હોવા છતાં એકપણ ફ્લાઈટ ઓપરેટ થતી નથી. આ અંગે વિધાનસભામાં આ વાત સરકાર સમક્ષ રજુ કરી હતી.
ત્યારે સરકારે તેમને ખાતરી આપી છે કે પોરબંદર-અમદાવાદ ફ્લાઈટ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. મોઢવાડિયાએ વધુમાં માંગ કરી હતી કે પોરબંદર-મુંબઈ અને પોરબંદર-દિલ્હી ફ્લાઈટ પણ ટુંક સમયમાં શરૂ કરવી જરૂરી છે અને તે અંગે સરકારે વિચારણા કરવાની ખાત્રી આપી છે.
વિમાની સેવા બંધ, એરપોર્ટનો ખર્ચ માથે પડી રહ્યો છે
પોરબંદરમાં દાયકાઓથી આવેલા એરપોર્ટનું થોડા વર્ષો પહેલા મબલખ રૂપિયા ખર્ચીને નવીનીકરણ કરાયું હતું અને હાલ આ એરપોર્ટ પરથી એકપણ ફલાઇટ ઓપરેટ થતી ન હોવા છતાં સરકારને આ એરપોર્ટમા નિભાવ પાછળ ખાસ મોટો ખર્ચ કરવો પડી રહ્યો છે જેની સામે વિમાની સેવા ચાલુ ન હોવાથી એરપોર્ટમાં થતી આવક બંધ થઇ ગઇ છે જેને લીધે સરકારને આવક ન હોવા છતાં ખર્ચ કરવો પડી રહ્યો છે.
વિમાની સેવા શરૂ થાય તો ટુરીઝમ વિકસી શકે છે
પોરબંદર રાષ્ટ્રપિત મહાત્મા ગાંધીની જન્મભૂમી છે. અહીં ગાંધીજી અને કસ્તૂરબાના જન્મ સ્મારકો આવેલા છે. તે ઉપરાંત અહીં સુદામાજીની જન્મભૂમી છે. જેથી અહીં પ્રતિદિન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જો અહીં વિમાની સેવા ફરી કાર્યરત કરવામાં આવે તો અહી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થઇ શકે તેવી સંભાવના પ્રબળ છે અને પોરબંદરનો પ્રવાસન ક્ષેત્રે સારો એવો વિકાસ થઇ શકે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.