પોરબંદરમાં પોણા બે માસ વહેલી માછીમારીની સિઝન બંધ થાય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું માછીમારો દ્વારા જણાવવામાં આવ્યું છે. માછીમાર અગ્રણી મનીષભાઈ લોઢારીએ જણાવ્યું હતું કે પોરબંદરના બંદરમાં હાલ કિનારે બોટ લાંગરી દેવામાં આવી રહી છે, અને જ્યારથી ડીઝલના ભાવ વધ્યા છે ત્યારથી માછીમારી કરીને પરત આવેલ બોટ સમુદ્રમાં માછીમારી કરવા માટે જતી નથી. એક બાજુ વધી રહેલ ડીઝલના ભાવના કારણે માછીમારોની દયનીય સ્થિતિ થઈ છે.
સરકાર દ્વારા માછીમારોનો વ્યવસાય ટકી રહે તે માટે કોઈ પ્રકારની યોજના અંગે વિચાર કરાતી નથી. અને નવી યોજના બનાવવામાં આવતી નથી. દિવસેને દિવસે કમરતોડ ડીઝલના ભાવ વધી રહ્યા હોવા છતાં ડીઝલના ભાવ પર અંકુશ લેવામાં આવતો નથી, તો બીજી તરફ સમુદ્રમાં ઊંડે ઊંડે સુધી માછીમારો માછીમાર કરવા માટે જતા હોવા છતાં પણ પૂરતા પ્રમાણમાં માછલીના જથ્થાની આવક થતી નથી. ડિઝલના ભાવ વધ્યા ત્યારથી માછીમારી કરીને પરત આવેલ બોટ ફરી દરિયામાં માછીમારી કરવા માટે જતી નથી, અને બોટ માલિકો પણ બોટને કિનારે લાગરી રહ્યા છે.
10 જૂને માછીમારીની સીઝન બંધ થાય તે પહેલાં જ બંદરમાં બોટના ખડકલા
આમ તો સરકારના નિયમ મુજબ 10 જૂને માછીમારીની સિઝન બંધ થતી હોય છે, અને તે સમય દરમિયાન બોટ માલિકો તેમની બોટને કિનારે લાગરી દેતા હોય છે. પરંતુ હાલ ડીઝલના કમરતોડ ભાવ વધારાને કારણે અને માછલીના જથ્થાની પૂરતા પ્રમાણમાં આવક ન થતી હોવાથી 10 જૂન પહેલાં જ માછીમારીની સિઝન બંધ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે, અને હાલ બોટના બંદરમાં ખડકલા લાગવા લાગ્યા છે.
માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ લોકોની રોજીરોટી છીનવાઇ રહી છે
માછીમારીના વ્યવસાય સાથે અનેક લોકો સંકળાયેલા છે, અને માછીમારીના વ્યવસાયથી પોરબંદરમાં માત્ર પોરબંદરવાસીઓ જ નહીં પરંતુ અન્ય જીલ્લા, રાજ્યના લોકોને પણ રોજગારી મળી રહી છે. માછીમારીના ઉદ્યોગને કોઈની માઠી નજર લાગી હોય તેમ આ ઉદ્યોગ મૃતપાય બની રહ્યો છે, અને દરિયામાંથી પૂરતા પ્રમાણમાં માછલાની આવક ન થતી હોવાથી આ વ્યવસાયમાંથી રોજીરોટી મેળવી રહેલા અનેક લોકોની રોજીરોટી છીનવાઇ રહી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.