ઓડદર રોડ પર ઝુરીમાં લાગેલી આગ 4 કલાકે કાબુમાં આવી હતી. 55 હજાર લીટર પાણીનો મારો ચલાવાયો હતો. આ વિસ્તારમાં ગેરકાયદેસર પથ્થરનું ખનન કરવા આગ લગાવી હોવાની શક્યતા સેવાઇ રહી છે. ઓડદર નજીક ઝુરીમાં ગઈકાલે રવિવારે શાંજે આગ લાગવાની ઘટના બની હતી.
આ અંગે ફાયરબ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ પાલિકાના ડંપિંગ યાર્ડ થી લઈને પવનચક્કી સુધી પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે જણાવ્યું હતું કે આગ અંદાજે અઢી કિલોમીટર સુધી પ્રસરી હોય જેથી કુલ 55 હજાર લિટરનો પાણીનો મારો ચલાવ્યો હતો અંદાજે 4 કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. જોકે આગમાં પર્યાવરણને નુકશાન થયું હતું. સદનસીબે જાનહાની કે માલહાની થઈ ન હતી. આ વિસ્તારોમાં ઝુરી અને બાવડ ફેલાયેલા છે અને અહીં કોઈ જઈ શકતું નથી.
આ વિસ્તારથી થોડે દુર પથ્થરોની ખાણો આવેલ છે જેથી ઝુરીઓની નીચે પથ્થરની જમીન હોય જેથી ગેરકાયદેસર પથ્થરોની ખાણ શરૂ કરવાના ઇરાદેથી આ આગ કોઈએ લગાવી હોવાની શક્યતા સેવાઇ રહી છે જેથી તંત્ર દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.