દુકાનધારકો મુશ્કેલીમાં મૂકાયા:1 જુનથી સસ્તા અનાજની દુકાનેથી અનાજ મળવાની સરકારની જાહેરાતનો ફિયાસ્કો

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે ઓનલાઇન ચલણ ન મુકતા દુકાનધારકો મુશ્કેલીમાં મૂકાયા

તારીખ 1 જુનથી સસ્તા અનાજની દુકાનેથી જે સસ્તા દરે અનાજ મળવાની સરકારની જાહેરાતનો ફિયાસકો થયો છે. સરકારે ઓનલાઇન ચલણ જ ન મુકતા દુકાનધારકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ગ્રાહકો દુકાનેથી નિરાશ વદને પરત ફરી રહ્યા છે.

સરકારે જાહેરાત કરી હતી કે, રાજયના 71 લાખથી વધુ NFSA રાશનકાર્ડ ધારકોની 3.50 કરોડ જનસંખ્યાને જૂન 2022 મહિનાના રાહતદરના નિયમિત વિતરણ તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિનામૂલ્યે વિતરણ સંબંધિત અગત્યની જાણકારી આપતા જાહેરાત કરી જણાવ્યું હતું કે, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ જૂન મહિનાનું નિયમિત વિતરણ તા. 01/06/2022થી શરૂ કરવામાં આવશે.

NFSA હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ અને મીઠાના જથ્થાની વિગત દર્શાવતી જાહેરાત બહાર પાડી હતી. અને વધુમાં ઉમેર્યું હતુંકે, રાજ્યના તમામ 33 જિલ્લાઓ તથા અમદાવાદ શહેરમાં NFSA હેઠળ તમામ સમાવિષ્ટ લાભાર્થીઓને પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ તા. 16 /6ના રોજથી અનાજનું વિનામૂલ્યે વિતરણ થશે.

પોરબંદરમાં તા. 1/6 ના રોજ સસ્તા અનાજની દુકાનો ખુલી રાખવામાં આવી હતી પરંતુ અનાજનો જથ્થો ફાળવવામાં આવ્યો ન હતો. સરકારની જાહેરાત વાંચીને અનેક લાભાર્થીઓ સસ્તા અનાજની દુકાને અનાજ લેવા હોંશેહોંશે પહોંચ્યા હતા. પરંતુ અનાજનો જથ્થો નથી મળ્યો તેવું દુકાન ધારકોએ જણાવતા લાભાર્થીઓ નિરાશ વદને પરત ફરી રહ્યા છે.

મહત્વની વાત એ છેકે, સરકારે જાહેરાત કરી છે પરંતુ ઓનલાઇન પેમેન્ટ માટે ચલણ ભરવા માટે પ્રક્રિયા શરૂ ન કરતા સસ્તા અનાજના દુકાનદારો ચલણ ભરી શક્યા ન હતા અને સરકારની જાહેરાતથી મૂંઝવણમા મુકાઈ ગયા છે. સરકારની જાહેરાતનો ફિયાસકો થયો હોવાનું સસ્તા અનાજના દુકાનદારોએ જણાવ્યું હતું.

અમને તો ધક્કા ખાવાની ટેવ પડી છે : લાભાર્થીઓ
તારીખ 1 જુનના અનાજ વિતરણ થશે તેવી જાહેરાત વાંચીને દુકાને આવ્યા છીએ. પરંતુ અનાજનો જથ્થો નથી તેવું જાણવા મળ્યું છે. હાલ ઘઉંના ભાવ વધ્યા છે. રાશન મોંઘું થયું છે. સરકાર ગરીબ લોકોને અનાજ વિનામૂલ્યે આપે છે પરંતુ ગરીબ લોકો કચેરીના ધક્કા ખાવાથી ટેવાઈ ગયા છે. હજુ 4 દિવસ પછી આવો તેવું કહ્યું છે. પેટનો ખાડો પુરવા કાળઝાળ ગરમીમાં ધક્કા ખાવા પડે છે. અમને તો ધક્કા ખાવાની ટેવ પડી છે. - લાભાર્થી મહિલાઓ

ચલણ ભર્યા બાદ 5 થી 7 દિ'માં અનાજનો જથ્થો આવશે, બાદમાં વિતરણ કરાશે
​​​​​​​સરકાર ઓનલાઇન ચલણ ભરવાની પ્રક્રિયા કરે અને દુકાનદાર ચલણ ભરે, ચલણ ભર્યા બાદ 5 થી 7 દિવસે અનાજનો જથ્થો મળે. જેથી ચલણ ભર્યા બાદ અઠવાડિયા પછી લાભાર્થીઓને અનાજ વિતરણ કરી શકાશે.

જિલ્લામાં સસ્તા અનાજના કેટલા દુકાનદાર અને કેટલા લાભાર્થી?
પોરબંદર જિલ્લામાં સસ્તા અનાજના 160 દુકાનદાર આવેલ છે અને અંદાજે 80 હજાર લાભાર્થીઓ છે.

સમગ્ર મામલો શું છે?
સરકારની જાહેરાત મુજબ તા. 1/6થી લાભર્થીઓને મળતું સસ્તા દરનું અનાજ મળવાનું હતું અને વિનામૂલ્યે અનાજ તા. 16થી મળવાનું છે. પરંતુ સસ્તા અનાજની દુકાને ફૂડ કુપન જનરેટ થતા નથી અને લાઈવ સ્ટોક જીરો બતાવે છે જેથી ગ્રાહકો ધક્કા ખાવા મજબૂર બન્યા છે.

શું કહે છે સસ્તા અનાજ એસો. પ્રમુખ?
સરકારે તા. 1/6 ના રોજ અનાજ આપવાની જાહેરાત કરી છે પરંતુ આગોતરું આયોજન થયું નથી. સરકારે ઓનલાઇન પેમેન્ટ ભરવા માટેની પ્રક્રિયા જ શરૂ કરી નથી. સમગ્ર રાજ્યમાં વેબસાઈટ ખુલે અને તેના પર સસ્તા અનાજના દુકાનદારો ઓનલાઇન પેમેન્ટ ચલણ ભરે છે. અને પછી અનાજનો જથ્થો આવે. પરંતુ સરકારે જાહેરાત પહેલા ઓનલાઇન ચલણ મુકવાની પ્રક્રિયા કરી નથી જેથી અનેક લાભાર્થી ગ્રાહકો દુકાને ધક્કા ખાઈ છે. હાલ દુકાનો ખાતે લાઈવ સ્ટોક જીરો બતાવે છે, ફૂડ કુપન જનરેટ થતા નથી. - રાજેશ ઠકરાર, સસ્તા અનાજ એસો.ના પ્રમુખ, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...