ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ધમાકેદાર જીત થઈ છે. પરંતુ, પોરબંદર જિલ્લો એવો જિલ્લો છે કે અહીં ભાજપને એકપણ બેઠક મળી નથી. કુતિયાણા બેઠક પર વધુ એકવાર કાંધલ જાડેજા જ કિંગ સાબિત થયા છે. તો પોરબંદર બેઠક ભાજપના બાબુ બોખીરિયા પાસેથી અર્જુન મોઢવાડિયાએ આંચકી લીધી છે.
કુતિયાણામાં કાંધલ જાડેજા જ 'કિંગ' સાબિત થયા
પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાની આ સળંગ ત્રીજી જીત છે. કાંધલ જાડેજા બે વખત અહીંથી NCPમાંથી જીત્યા હતા. આ વખતે અહીં કૉંગ્રેસ અને NCPનું ગઠબંધન ન થતા કાંધલ જાડજાએ NCPમાંથી રાજીનામું ધરી દીધું હતું અને સમાજવાદી પાર્ટીમાંથી ઝંપલાવ્યું હતું. જેમાં તેને 26 હજાર 712 મતે જીત મેળવી છે. કાંધલ જાડેજાની સામે ભાજપ, કૉંગ્રેસ અને આપના ઉમેદવાર હતા. એટલે કે અહીં ચોપાંખિયો જંગ હતો.અહીં ઢેલીબેનને 34 હજાર 32 મત મળ્યા છે. તો આમ આદમી પાર્ટીના ભીમાભાઈ મકવાણાને 19 હજાર 557 મત મળ્યા છે. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ 8841 મત સાથે ચોથા નંબરે રહ્યા છે.
પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયાની જીત
પોરબંદર બેઠક પર ભાજપના બાબુ બોખીરિયા અને કૉંગ્રેસના અર્જુન મોઢવાડિયા વચ્ચે આ સળંગ ત્રીજી ટક્કર હતી. 2012 અને 2017માં સતત બે હારનો સામનો કર્યા બાદ અર્જુન મોઢવાડિયા જીત મેળવવામાં સફળ રહ્યા છે. અહી મોઢવાડિયાની ભાજપના બાબુ બોખીરિયા સામે 8181 મતથી જીત થઈ છે. આપના ઉમેદવાર અહીં ખાસ અસર પહોંચાડી શક્યા નથી.
બે બેઠક પર સરેરાશ 59.28 ટકા મતદાન થયું હતું
પોરબંદર જિલ્લાની પોરબંદર અને કુતિયાણા બેઠક પર કુલ 4 લાખ 91 હજાર 862 મતદારો નોંધાયેલા છે.જેમાંના 2 લાખ 92 હજાર 676 મતદારોએ 1 ડીસેમ્બરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લામાં સરેરાશ 59.28 ટકા મતદાન નોંધાયું હતું. 2017ની વાત કરીએ તો સરેરાશ 62.23 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે, 2017ની સરખામણીએ 2022માં મતદાનમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો છે.બેઠક વાઈઝ 2017 અને 2022માં થયેલા મતદાનના આંકડા નીચે મુજબ છે.
બેઠક | 2017 | 2022 |
પોરબંદર | 64.77% | 61.98% |
કુતિયાણા | 59.20% | 56.58% |
જિલ્લાની 2 બેઠકોની 2017ની સ્થિતિ
2017 વિધાનસભા ચૂંટણીમાં જિલ્લાની બે બેઠકોમાં પોરબંદર બેઠક ભાજપને મળી હતી. તો કુતિયાણા બેઠક NCPના ફાળે ગઈ હતી. 2022માં કુતિયાણા બેઠક પર NCP અને કૉંગ્રેસનું ગઠબંધન થયું નથી. જેથી સીટીંગ MLA કાંધલ જાડેજા 2022માં સમાજવાદી પક્ષમાંથી ચૂંટણી મેદાનમાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.