30 માર્ચથી શરૂ થશે માધવપુર ઘેડનો મેળો:આ મેળો ભારતની ઉત્તર-પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિને એક તાંતણે બાંધે છે, પોલીસ ગાર્ડ ઓફ ઓનર આપી ભગવાનની જાનને પ્રસ્થાન કરાવશે

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનું માધવપુર અને તેનાથી 3000 કિમી દૂર ઉત્તર પૂર્વના રાજ્યો વચ્ચે ઊંડો નાતો છે કે જે યુગોથી લોકોના હૃદયમાં છે. આ નાતો વર્ષોથી ભારત વર્ષની બે સંસ્કૃતિની મિશાલ બનીને પ્રજ્વલિત રહ્યો છે. તેના મૂળમાં છે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ. પૌરાણિક કથાઓના ઉલ્લેખો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન પોરબંદર નજીક માધવપુરમાં થયા હતા. આ વિવાહની યાદમાં વર્ષોથી માધવપુર ઘેડમાં પાંચ દિવસનો મેળો ભરાય છે. જે હવે છેલ્લા ત્રણ વખતથી એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક બન્યો છે. મેળામાં ઉત્તર પૂર્વના લોકો, અગ્રણીઓ અને કલાકારો માધવપુરમાં આવીને કલાનું કૌશલ્ય અને વિચારોનું આદાન પ્રદાન કરે છે અને સૌરાષ્ટ્રના ઘેડ પ્રદેશની સંસ્કૃતિને નિહાળે છે.

માધવપુરનો મેળો રામનવમી ચૈત્ર સુદ નોમથી શરૂ થાય છે અને ભગવાનના લગ્ન ચૈત્ર સુદ બારસના રોજ થયા હતા એટલે તે દિવસે લગ્ન થાય છે. રાત્રિના લગ્ન હોવાથી માધવરાય મધુવનમાં રાતવાસો કરે છે. તેરસના દિવસે ભગવાન રૂક્ષ્મણી સાથે નગરયાત્રા કરી નીજ મંદિર પધરામણી કરે છે. ભગવાનની પરણીને આવતી જાન જોવીએ ભાવિકો માટે એક લ્હાવો હોય છે. મધુવન જ નહીં પણ માધવપુરની બજારો, ગલીઓ અબીલ ગુલાલથી ઉભરી આવતા જ્યાં નજર નાખો ત્યાં ગુલાબી રંગની ચાદર જેવો નજારો જોવા મળે છે. આ સાથે મેળો પૂર્ણ થાય છે. આ રીતે માધવપુર ઘેડનો મેળો ભારતની ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિને એક તાંતણે બાંધે છે.

રૂક્ષ્મણી હરણની કથા અને માધવપુર ઘેડનો સંબંધ
મહાભારતમાં રૂક્ષ્મણી હરણનો એક પ્રસંગ આવે છે. શાસ્ત્રો અને ગ્રંથોમાં ઉલ્લેખ અને કથા છે કે વિદર્ભ વિસ્તાર એટલે કે હાલના ઉત્તર પૂર્વ પ્રદેશના રાજા ભીષમાકની પુત્રી રૂક્ષ્મણીને ભગવાન શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવા હતા. રૂક્ષ્મણીનો ભાઈ રુકમી તેનો વિરોધ કરે છે અને જરાસંઘના પુત્ર શિશુપાલ સાથે લગ્ન કરવાનું નક્કી થાય છે. રૂક્ષ્મણી આ વાત સાંભળતા વિલાપ કરી ચિંતાતુર બની કૃષ્ણને દ્વારકા બ્રાહ્મણ મારફતે સંદેશો મોકલાવે છે. આ સંદેશો માધવપુરમાં લગ્ન ગીત તરીકે પ્રચલિત બન્યો છે. રૂક્ષ્મણીનો પત્ર પણ પ્રચલિત છે. સમાચાર સાંભળીને શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી સાથે લગ્ન કરવા માટે જાય છે. રુકમીને હરાવી શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીનું હરણ કરી દ્વારકા લઈ જતી વખતે રસ્તામાં માધવપુર ઘેડ ખાતે લગ્ન કરે છે. એક કથા એવી પણ છે કે ભગવાન શ્રીકૃષ્ણને કુંવારી ભૂમિ પર લગ્ન કરવા હતા અને દરિયા દેવે અહીં જગ્યા કરી આપી.

માધવપુરના દરિયામાંથી મળ્યું છે 11મી સદીનું વિષ્ણુ મંદિર
માધવપુરનું જેટલું પૌરાણિક મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ પૌરાણિક અવશેષોની દૃષ્ટિએ પણ છે. માધવપુર કેટલું જૂનું છે તે અંગે અભ્યાસો ચાલી રહ્યા છે પરંતુ પોરબંદરના અભ્યાસુ એવા ઇતિહાસવિદ્ નરોતમ પલાણ કહે છે કે, માધવપુરના સાહિત્યિક અને પૌરાણિક અવશેષોના પુરાવાઓ આપણને મળે છે. પૌરાણિક ગ્રંથોમાં પ્રભાસ એટલે કે હાલનું સોમનાથ અને દ્વારકા વચ્ચે માધવ તીર્થની વાત આવે છે તે માધવપુર. તેઓ વધુમાં કહે છે કે, માધવપુરના જૂનામાં જૂના અવશેષો કે જે 1500થી 2000 વર્ષ જૂના છે તે માધવપુરમાં હાલ હયાત છે. માધવપુરની વાત વિષ્ણુ અવતાર સાથે પણ સાંભળવા મળે છે એટલે સમય જતાં માધવપુરની મુલાકાત અનેક ઋષિમુનિઓ અને સંતોએ કરેલી છે. મહાપ્રભુ વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, ગુરુ ગોરખનાથ સાથે સંકળાયેલા પૌરાણિક પવિત્ર સ્થળો પણ માધવપુરમાં છે.

17મી સદીમાં પોરબંદરના મહારાણીએ બાંધ્યું નવું મંદિર
દરિયામાંથી મળેલું 11મી સદીનું મંદિર બહુ જર્જરીત થઈ જતાં 17મી સદીમાં પોરબંદરના મહારાણી રૂપાળીબાએ માધવરાયજીનું નવું મંદિર બંધાવી આપ્યું હતું. તેનો શિલાલેખ પણ અહીં જોવા મળે છે. જૂના મંદિરમાંથી માધવરાયજી અને ત્રિકમરાયજીની મૂર્તિઓ નવા મંદિરમાં પધરાવવામાં આવી હતી. આ મૂર્તિઓ દુર્લભ અને દિવ્ય છે. ભગવાનના ત્રણ હાથ ઉપર અને એક હાથ નીચે છે. આવી મૂર્તિ બીજે ક્યાંય નથી એવી વૈષ્ણવ ભક્તોને શ્રદ્ધા છે.

મધુવનમાં ભગવાને લગ્ન કર્યા તે મધુવનનું નામ કેમ પડ્યું?
ગ્રંથોમાં જેનો ઉલ્લેખ અને એ જ સ્થળે તેના પૌરાણિક અવશેષો મળે ત્યારે શ્રદ્ધાળુઓની આસ્થાનું સાંસ્કૃતિક કેન્દ્ર જે તે સ્થળ બની જતું હોય છે. આવું સ્થળ માધવપુરનું છે. ભગવાન વિષ્ણુએ ગદાથી મધુ નામના રાક્ષસનો વધ કર્યો હતો તેવો ગ્રંથોમાં ઉલ્લેખ છે. મધુનો વધ કર્યા પછી ભગવાને લોહીવાળી ગદા અહીં આવેલી વાવમાં સાફ કરી હતી અને તેની કથા ગદાવાવ સાથે જોડાયેલી છે. આજે મધુવનમાં ગદાવાવ પણ છે. વિષ્ણુ અવતાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ આ જ સ્થળે લગ્ન કર્યા ત્યાં ચોરી માયરાનું પણ સ્થળ છે. રૂક્ષ્મણી માતાની મૂર્તિ અને પૌરાણિક રુક્ષ્મણી મંદિરની સાથે સાથે ભગવાનની જોડે આવેલા ઋષિમુનિઓ અહીં રાણના વૃક્ષમાં બિરાજ્યાં તેવી કથાની સાથે અહીં રાયણના વૃક્ષો પણ વર્ષોથી છે. બીજે આટલામાં ક્યાંય વૃક્ષો નથી.

ભગવાનની કેવી રીતે થાય છે લગ્ન વિધિ?
માધવપુરનો મેળો રામનવમીના દિવસથી શરૂ થાય છે પરંતુ લગ્નની તૈયારીઓ 25 દિવસ અગાઉ શરૂ થઈ જાય છે. કન્યા અને વર બંને પક્ષ દ્વારા લગ્ન લખવાની વિધિ કરવામાં આવે છે. ભગવાનના લગ્ન પૂર્વે મહિલાઓ સત્સંગીઓ લગ્ન ગીત ગાય છે એમાંય 'રૂક્ષ્મણી લખે કાગળ- દ્વારકા, હું નહીં રે પરણું શિશુપાલને રે, તેમજ લગ્ન દરમિયાન માધવપુરનો માંડવો, આવી જાદવકુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી, વર વાંછીત શ્રી ભગવાન જેવા લગ્ન ગીતો માધવપુરની માધુર્યતામાં વધારો કરે છે. રામ નવમી અને દસમ, અગિયારસના રોજ ભગવાનની વર્ણાંગી પણ નીકળે છે. કડછ ગામના લોકો રૂક્ષ્મણી માતાનું મામેરું ભરવા આવે છે. ભગવાનને જાન જોડવા માટે આમંત્રણ આપવામાં આવે છે. ગુજરાત પોલીસ ગાર્ડ ઓફ ઓનર આપી ભગવાનની જાનને પ્રસ્થાન કરાવે છે. ચૈત્ર સુદ બારસની રાત્રીએ મધુવનમાં ભગવાનના લગ્ન શાસ્ત્રોક્ત પરંપરા મુજબ યોજાય છે અને મોટી સંખ્યામાં લોકો આ લગ્ન ઉત્સવમાં જોડાય છે.

એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર વિશેષ આયોજન
ઉત્તર પૂર્વ અને ગુજરાતની સંસ્કૃતિને જોડતા આ મેળાને વર્ષ 2018થી વિશેષ પ્રોત્સાહન આપી બંને વિસ્તારના લોકોને જોડીને ભવ્ય રીતે મેળાની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય, ઉત્તર-પૂર્વોત્તર વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગ તેમ જ પ્રવાસન નિગમ, સ્થાનિક તંત્રના સંકલનથી શ્રી કૃષ્ણના જીવન આધારિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ ઉત્તર પૂર્વ અને ગુજરાતના કલાકારો રંગારંગ કાર્યક્રમમાં રજૂ કરે છે.

2023નો માધવપુરનો મેળો
માધવપુરમાં 30મી માર્ચ ના રોજ સરકાર આયોજિત આ રંગમંચ ત્રણ દિવસ માટે ખુલ્લો મુકાશે. 30મી માર્ચથી 3 એપ્રિલ સુધી મેળો યોજવાનો છે. લગ્ન કરીને દ્વારકાધીશ અને રૂક્ષ્મણી માતા દ્વારકા પધાર્યા હતા. ચાલુ વર્ષે પ્રથમ વખત રાજ્ય સરકાર દ્વારા રૂક્ષ્મણી માતાના સ્વાગતનો ભવ્ય કાર્યક્રમ પણ આયોજિત થયો છે. વિવિધ રાજ્યોના કલાકારોની કારીગરી સાથે હસ્તકલાના સ્ટોલ, સૌરાષ્ટ્રની ટુરીઝમ સર્કિટ અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન મળે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં માધવપુરના મેળાને જોડીને વિવિધ વિસ્તારમાં આર્ટ ગેલેરી હસ્તકલા સાથે રાજ્યના વિવિધ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...