કાર્યવાહી:પોરબંદર એસટી ડેપોના ડ્રાઇવરે નશો કરેલી હાલતમાં બસ ચલાવી

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ બસે કાવા મારતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
  • બસ રોકાવી​​​​​​​ ડ્રાઇવરને પોલીસ હવાલે કર્યો

પોરબંદર એસટી ડેપોના એક ડ્રાઇવરે નશો કરેલી હાલતમાં બસ ચલાવી હતી. વડોદરાથી ધોળકા નજીક ચાલુ બસે કાવા મારતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. મુસાફરોએ બસ રોકાવી ડ્રાઇવરને ધોળકા પોલીસને હવાલે કર્યો હતો. પોરબંદર એસટી ડેપોની બસ વડોદરા ઉપડી હતી અને ગઈકાલે શાંજે 7:45 કલાકે એસટી બસ GJ18Z 2962 વડોદરાથી પોરબંદર આવવા રવાના થઈ હતી. પોરબંદરના માધવપુર પટ્ટી પર આવેલ ગોસા નવાગામ ગામે રહેતો પોરબંદર એસટી ડેપોનો ડ્રાઇવર હરદાસ કરશન આગઠ બસ ચલાવતો હતો.

આ બસ વારંવાર કાવા મારતી હતી અને રાત્રે 10:30 કલાક દરમ્યાન આ ડ્રાઇવરે કાવો મારતા બસ ઝાડવામાં સ્પર્શી હતી અને ફરી કાવો મારતા બસ ફગી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ધોળકા બસ સ્ટેશન પહેલા ચોકડી પાસે મુસાફરોએ બસ રોકાવી હતી અને ધોળકા પોલીસને જાણ કરી હતી. પોલીસ આવતા આ એસટી બસ ડ્રાઇવરને ઝડપી લીધો હતો અને નશો કરેલી હાલતમાં મળી આવતા તેના પર ધોળકા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. આ બનાવની જાણ પોરબંદરમા થતા ભારે ચકચાર જાગી છે.

44 મુસાફરો 2 કલાક સુધી રઝડયા
ધોળકા નજીક બસ રોકાવી મુસાફરોએ ડ્રાઇવરને પોલીસ હવાલે કર્યો હતો. આ બસમાં 44 મુસાફરો સવારી કરતા હતા. 2 કલાક રઝડયા બાદ અન્ય ડ્રાઇવર આવતા બસ ઉપડી હતી જેથી આ બસ સમય કરતાં પોરબંદર 3 કલાક મોડી પહોંચી હતી.

ડિવીઝન ઓફિસને રિપોર્ટ કરવામાં આવશે
બનાવ ધોળકામાં બન્યો છે. ધોળકા ડેપો મેનેજર સાથે વાત કરી અને ત્યાંથી બીજા ડ્રાઇવરની વ્યવસ્થા કરાવી બસ પોરબંદર પહોંચાડી હતી. ધોળકા ડેપો મેનેજર ડિવિઝન ઓફિસને રિપોર્ટ કરશે અને ત્યાંથી કાર્યવાહી થશે. -હિરીબેન કટારા, ડેપો મેનેજર, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...