આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જિલ્લાવાસીઓ શિવમય બનશે. વિવિધ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠશે. આજે તા. 29 જુલાઈને શુક્રવારે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. પોરબંદર જિલ્લામાં આવેલ વિવિધ શિવ મંદિર ખાતે વિવિધ શૃંગાર દર્શન યોજવામાં આવશે. ભાવિકો શિવમય બનશે. વિવિધ શિવાલયોમા પૂજારી અને સંચાલકો દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. શિવ મંદિરોને રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા છે. શ્રાવણ માસમાં ભાવિકો વિવિધ શિવ મંદિરે દર્શન કરી ધન્યતાનો અનુભવ કરશે.
શિવ મંદિરના પૂજારી અશ્વિનગીરી ગોસ્વામીએ જણાવ્યું હતુંકે, શિવ ભગવાન 11 માસ સુધી સમાધિ અવસ્થામાં રહે છે અને શ્રાવણ માસ દરમ્યાન ભગવાન શિવ ધ્યાન અવસ્થામાં રહે છે જેથી આ માસ દરમ્યાન શિવ ભગવાન શિવાલયોમા આવે છે તેવો દ્રઢ વિશ્વાસ અને ધાર્મિક માન્યતા રહેલી છે. શ્રાવણ માસ દરમ્યાન શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે. પોરબંદરના ઈન્દ્રેશ્વર મહાદેવ, ભૂતનાથ મહાદેવ, કેદારેશ્વર, ભોજેશ્વર, ભાવેશ્વર, જડેશ્વર મહાદેવ મંદિર સહિત વિવિધ શિવ મંદિર ખાતે શિવલિંગ પર વિવિધ શૃંગાર દર્શનનું આયોજન થશે. જિલ્લાવાસીઓ શિવમય બનશે અને શિવ મંદિરો ખાતે ભાવિકો દર્શનાર્થે ઉમટી પડશે. અને હર હર મહાદેવ... બમ બમ ભોલેના નાદ ગુંજી ઉઠશે.
સોમવારે શિવાલયોમાં રાત્રે આરતી થશે : ભાવિકો ઉપવાસ એકટાણા કરશે
શ્રાવણ માસ દરમ્યાન સોમવારે શિવ મંદિર ખાતે વિશેષ શૃંગાર દર્શન યોજાશે અને રાત્રે 12 વાગ્યે મહા આરતીનું આયોજન કરવામાં આવે છે. વિવિધ શિવ મંદિર ખાતે રાત્રે 12 વાગ્યે આરતીનું આયોજન થશે જેમાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડશે. આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ માસ દરમ્યાન ભાવિકો ઉપવાસ, એકટાણા કરશે અને સાત્વિક રીતે શિવની પૂજા અર્ચના કરશે.
શિવાલયોમાં ભાવિકો શિવને રિઝવશે
શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે શિવ ભક્તો ભગવાન શિવની આરાધના કરશે. શિવ મંદિરે શિવને રીઝવવા પૂજા અર્ચના, દૂધ, જલનો અભિષેક ઉપરાંત ભાવિકો શિવાલયોમાં બિલ્વ પૂજા, લઘુરુદ્ર કરી ભગવાન શિવનું પૂજન કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.