ખાટલે મોટી ખોટ:ડેન્ગ્યું રોગચાળો વકર્યો તે વેળાએ જ સિવીલ હોસ્પિટલમાં ડેન્ગ્યું ટેસ્ટની કીટ ખાલી !!

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત અઠવાડિયે 21 દર્દી ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા, કીટ ન હોવાને કારણે દર્દીઓને ખાનગી લેબમાં ખર્ચ કરી જવું પડે છે

પોરબંદર જિલ્લામાં ડેન્ગ્યુ રોગચાળો વકર્યો છે ત્યારે જ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ ટેસ્ટ કરવા માટેની કીટ ખાલી થઈ છે. ગત અઠવાડિયે જ 21 દર્દી ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે. હાલ સિવિલમાં દર્દીનો ધસારો છે ત્યારે કીટ ન હોવાને કારણે દર્દીઓને ફરજીયાત ખાનગી લેબમાં ખર્ચ કરી જવું પડી રહ્યું છે.

પોરબંદર જિલ્લામાં ડેન્ગ્યુના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. જિલ્લાની એકમાત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ગત માસે 39 દર્દીના રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા બાદ નવેમ્બર માસના પહેલા અઠવાડિયામાં જ ડેન્ગ્યુના 26 દર્દી પોઝિટિવ નોંધાયા છે. તેમજ અનેક દર્દીઓ વાયરલ તાવમાં સપડાયા છે. વાતાવરણની અસર સ્વાસ્થ્ય પર થઇ રહી છે તો બીજીતરફ ડેન્ગ્યુ ના કેસ વધી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. સિવિલની લેબ ખાતે અનેક દર્દીઓના લોહીના રિપોર્ટ કરવામાં આવતા લેબ ખાતે પણ ઘસારો રહે છે. તા. 9 બાદ આજ સુધીમાં ફરી ડેન્ગ્યુના 21 દર્દી સામે આવ્યા છે.

60 દર્દીના કીટ દ્વારા ટેસ્ટ કરવામાં આવતા 21 કેસ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે. હાલ પણ અનેક દર્દીઓ સારવાર લેવા સિવિલ હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે ત્યારે સિવિલ લેબોરેટરીમા NS1 ડેન્ગ્યુ ટેસ્ટ કરવા માટેની કીટ ખાલી થઈ ગઈ છે. લેબના સ્ટાફે જણાવ્યું હતું કે, ગાંધીનગરમા કીટ અંગેની ડિમાન્ડ મૂકી હતી જે આવી નથી. હાલ અનેક દર્દીઓને સિવિલ માંથી ડેન્ગ્યુ ટેસ્ટ માટે સિવિલ લેબ ખાતે મોકલવામાં આવે છે પરંતુ ડેન્ગ્યુ ટેસ્ટ માટેની કીટ ન હોવાથી ગરીબ દર્દીઓને ફરજીયાત ખાનગી લેબ ખાતે જવું પડી રહ્યું છે. જેથી ગરીબ દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

ખાનગી લેબમાં ડેન્ગ્યુ ટેસ્ટનો કેટલો ખર્ચ થાય?
સિવિલ હોસ્પિટલની લેબમાં ડેન્ગ્યુ ટેસ્ટ માટેની કીટ ખાલી છે ત્યારે ખાનગી લેબોરેટરીમાં ડેન્ગ્યુ ટેસ્ટ કરાવવા માટે મિનિમમ રૂ. 400નો ખર્ચ થાય છે.

દોઢ માસમાં ડેન્ગ્યુના 86 દર્દી નોંધાયા
પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે ગત માસે 39 દર્દીના રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે ચાલુ માસે 14 તારીખ સુધીમાં 47 દર્દીના રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે. આમ દોઢ માસમાં સિવિલ હોસ્પિટલમાં કુલ 86 દર્દી ડેન્ગ્યુ પોઝિટિવ નોંધાયા છે.

શું કહે છે લેબ પેથોલોજીસ્ટ?
રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરથી આ ડેંગ્યુની કીટ આવે છે. તા. 27/10 ના ગાંધીનગરથી 3 કીટ ની ડિમાન્ડ સામે 1 કીટ આપી હતી. 1 કિટમાંથી 96 ટેસ્ટ થાય છે. તા. 9/11 ના ફરી ડિમાન્ડ મૂકી છે પરંતુ ત્યાં પણ અછત હોય જેથી સ્થાનિક લેવલે આ કીટ ખરીદી માટે જાણ કરી છે. જેથી એક બે દિવસમાં કીટ આવી જશે. > ડો. લિઝાબેન ધામેલીયા, લેબ પેથોલોજીસ્ટ, સિવિલ હોસ્પિટલ, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...