પારાવાડા -ભોમિયાવદર વચ્ચેનો વર્તુ નદી ઉપર આવેલ બેઠો પુલ રેલીંગ વિહોણો છે જેથી વાહન અકસ્માતનો ભય રહે છે. કોઈ મોટી દુર્ધટના બને તે પહેલા રેલીંગ મૂકવી અનિવાર્ય બની છે. રામવાવથી સીમર રોજીવાડા થઈ ભાણવડ જતા રસ્તે પારાવાડા -ભોમીયાવદર વચ્ચે આવેલ વર્તુ નદી ઉપર આવેલો પુલ રાજાશાહીના વખતથી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ આ પુલ સો વર્ષથી પણ વધારે સમય પહેલા બનેલ છે અને ચોમાસામાં તેમજ સિંચાઈ માટે વર્તુ ડેમ માંથી પાણી છોડવામાં આવે છે ત્યારે આ પુલ ઉપરથી ધસમસતા પાણી વહે છે, આમછતાં પણ આ પુલની કાંકરી પણ ખરતી નથી એટલો મજબૂત છે પરંતુ આ પુલ ઉપર રેલીંગના અભાવે અકસ્માત નો સતત ભય રહે છે.
જો આ પુલ ઉપર 2 ભારે વાહનો સામસામે આવી જાય ત્યારે સાઈડ લેવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે ઉપરાંત આ પુલ ઉપરથી સતત વાહનોની અવરજવર થતી રહે છે અને આ વિસ્તારના ગ્રામજનોને ભાણવડ તેમજ જામખંભાળિયા જવા માટે શોર્ટ કટ પડે છે, ઉપરાંત ચોમાસામાં આ પુલ ઉપર સેવાળ જામી જતો હોવાથી પગપાળા ચાલી ને જવા ઉપરાંત બાઈક ચાલકોને સ્લીપ થવાનો ભય રહે છે.
વધુમાં આ પુલના બન્ને છેડાએ વળાંકો આવતા હોવાથી વાહન ચાલકોને સ્લીપ થવાનો અને વાહન અકસ્માતનું જોખમ વધી જાય છે. કોઈ મોટી દુર્ધટના બને તે પહેલા આ પુલ ઉપર રેલિંગ બનાવવાની તાતી જરૂરીયાત ઉભી થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.