પોરબંદરના મોઢવાડા ગામના 47 વર્ષીય રહેવાસીનું થોડા દિવસો પહેલા અકસ્માતે મૃત્યુ થયું હતું અને જે તે સમયે તેમની દફનવિધી કરવામાં આવી હતી. બાદમાં મૃતકના ભાઇને મોત અંગે શંકા જતા દફન કરાયેલી લાશને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે જામનગર મોકલવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ હકીકત શું છે તે અંગેનો ચિતાર રજૂ થશે. નાના એવા ગામમાં આ પ્રકારની ઘટનાથી ભારે ચર્ચા જાગી છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મોઢવાડા ગામે રહેતા અરવિંદ પુંજાભાઇ પાંડાવદરા ઉ.વ. 47 નામના રહેવાસી ગત તા. 3 ના રોજ રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં ગામમાં જ રહેતા અતુલ ખીમાભાઇ મોઢવાડિયાના ખેતરની દિવાલ કુદી રહ્યા હતા અને તે વખતે અકસ્માતે પડી જતા ઇજા થવાના કારણે તેમનું દુ:ખદ મોત નિપજયું હતું. જે તે સમયે મૃતકના ભાઇને આ મોત અંગે કોઇ શંકા ન હોવાના લીધે લાશનું પોસ્ટ મોર્ટમ કરાવ્યા વિના દફન વિધિ કરાવી નાખી હતી.
અને બાદમાં ગઇકાલે મૃતકના ભાઇને મરનારના મૃત્યુ અંગે શંકા જતા બગવદર પોલીસ સ્ટેશનમાં દફન કરેલી લાશને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ કરાવવા અરજ કરવામાં આવી હતી અને આ અરજી બાદ આજે બપોરે મૃતકની લાશને ફરીથી બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે જામનગર મોકલી દીધી હોવાનું બગવદર પોલીસ સ્ટેશનના PSI એચ. સી. ગોહીલે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.